News of Wednesday, 20th May 2026
દેશમાં વીજળીની માંગ ૨૬૦ ગીગાવોટની ઐતિહાસિક ટોચે
૧૮મીને સોમવારે બપોરે ૩.૪૦ વાગે ૨૫૭.૩૭ ગીગાવોટ વીજ માંગ જોવા મળી હતી : ગત વર્ષે જૂન-૨૦૨૫માં સૌથી વધુ ૨૪૨.૭૭ ગીગા વોટ વીજળીની માંગ નોંધાઈ હતી

નવી દિલ્હી તા.૨૦: દેશમાં અનેક રાજ્યોમાં હીટવેવને કારણે વીજળીની માંગ વધી છે. મંગળવારે વીજળીની માંગ ૨૬૦.૪૫ ગીગાવોટની ઐતિહાસિક ટોચ પર પહોંચી હતી. ભારે ગરમીને કારણે એર કન્ડિશનર અને કૂલરની માંગ વધી હતી.
વીજ મંત્રાલયે જાહેર કરેલા ડેટા અનુસાર આ સિઝનમાં એક દિવસ અગાઉ ૧૮મીને સોમવારે પણ બપોરે ૩.૪૨ વાગે ૨૫૭.૩૭ ગીગા વોટ વિક્રમી માંગ નોંધાઈ હતી. એક જ દિવસ બાદ ૧૯મીને મંગળવારે બપોરે ૩.૪૦ વાગે ૨૬૦.૪૫ ગીગા વોટ વીજળીની માંગ નોંધાઈ હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ગત મહિને ૨૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ બપોરે ૩.૩૮ વાગે ૨૫૬.૧૧ ગીગાવોટની અત્યાર સુધીની સર્વોચ્ચ વીજ માંગ જોવા મળી હતી. આ માંગ પૂરી કરવામાં આવી હતી. મંત્રાલયના અંદાજ અનુસાર ચાલુ ઊનાળામાં મહત્તમ ૨૭૦ ગીગા વોટ માંગ જોવા મળશે.
ગત વર્ષે જૂન-૨૦૨૫માં સૌથી વધુ ૨૪૨.૭૭ ગીગા વોટ વીજળીની માંગ નોંધાઈ હતી. જોકે સરકારે ૨૭૭ ગીગાવોટનો અંદાજ વ્યક્ત કર્યો હતો તેટલી માંગ જોવાઈ ન હતી. મે-૨૦૨૪માં ૨૫૦ ગીગા વોટની મહત્તમ વીજ માંગ જોવાઈ હતી. તે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૩માં ૨૪૩.૨૭ ગીગા વોટની મહત્તમ વીજ માંગ જોવાઈ હતી.
ભારતીય હવામાન વિભાગ(IMD)એ આગાહી કરી છે કે ઉત્તરપヘમિ અને મધ્ય ભારતમાં આ સપ્તાહે હીટવેવની સ્થિતિ જોવા મળશે. ૧૮મીને સોમવારે અનેક શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીને આસપાસ નોંધાયું હતું. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ૨૪ મે સુધીમાં ભારે ગરમી પડવાની અને ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં અત્યંત તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. સોમવારે પંજાબના ભટિડામાં ૪૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હરિયાણા અને રાજસ્થાનમાં કેટલાક શહેરોમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
