News of Wednesday, 6th May 2026
યુપીમાં વીજ કર્મચારીઓ પર તવાઈ: ભ્રષ્ટાચાર કર્યો તો હવે સીધા જેલ ભેગા થશે!
મુખ્ય સચિવે આંતરિક તપાસની વ્યવસ્થા નાબૂદ કરી, હવે રાજ્ય તકેદારી વિભાગ સીધી તપાસ કરશે : સોથી વધુ પેન્ડિંગ કેસો ટ્રાન્સફર થતા ફફડાટ

લખનૌ: ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ યોગી સરકારના મુખ્ય સચિવ એસ.પી. ગોયલે મોટો વહીવટી પ્રહાર કર્યો છે. અત્યાર સુધી વીજ વિભાગના કર્મચારીઓ સામેના ભ્રષ્ટાચાર કે અપ્રમાણસર મિલકતના કેસોની તપાસ વિભાગની પોતાની આંતરિક તકેદારી ટીમ કરતી હતી, જેને હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. આ નવા આદેશ મુજબ, હવે નાના લાઇનમેનથી લઈને મોટા એન્જિનિયર સુધીના તમામ ભ્રષ્ટ તત્વોની તપાસ સીધી રાજ્ય તકેદારી (State Vigilance) દ્વારા કરવામાં આવશે, જેના કારણે હવે ઘરના માણસો દ્વારા થતી તપાસમાં મળતી છૂટછાટનો અંત આવશે.
વિભાગમાં નવા કનેક્શન, મીટર રીપેરીંગ કે વીજચોરીના કેસ પતાવવાના બહાને ચાલતા ઉઘાડા ભ્રષ્ટાચારને રોકવા માટે આ કડક પગલું લેવાયું છે. પાવર કોર્પોરેશનના સૂત્રો મુજબ, હાલમાં ૧૦૦થી વધુ કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે, જે હવે સીધી વિજિલન્સ વિભાગને સોંપવામાં આવશે. અગાઉ વારાણસી અને ઔરૈયા જેવા જિલ્લાઓમાં લાંચ લેતા ઝડપાયેલા જુનિયર એન્જિનિયરો અને લાઇનમેનોની ધરપકડ બાદ આ મુદ્દે કડક કાયદાકીય માળખું ઊભું કરવાની જરૂરિયાત વર્તાઈ રહી હતી.
આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવતા વીજ વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. આંતરિક તકેદારીમાં ડેપ્યુટેશન પર રહેલા પોલીસ કર્મચારીઓની ભૂમિકા પણ હવે બદલાશે. રાજ્ય તકેદારી વિભાગ પાસે સત્તા હોવાથી તે મિલકતોની જપ્તી અને કડક કાયદાકીય કાર્યવાહી વધુ ઝડપથી કરી શકશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને લાંચખોરીમાંથી મુક્તિ અપાવવાનો અને સરકારી તંત્રમાં પારદર્શિતા લાવવાનો છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
