તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
યુપીમાં સ્માર્ટ મીટરના નામે વીજળી ગુલ: જનતાના ભારે આક્રોશ સામે યોગી સરકાર નમી, નવા મીટર લગાવવા પર તાત્કાલિક રોક
પ્રીપેડ મીટરમાં ટેકનિકલ ખામીઓ અને તોતિંગ બિલોના કારણે ગ્રાહકોમાં ફાટી નીકળ્યો હતો રોષ, ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના ચેરમેને આપ્યા કડક આદેશો, હાઈ લેવલ કમિટીની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂના મીટર જ રહેશે કાર્યરત, ડિસ્કોમ કંપનીઓમાં દોડધામ.

લખનઉ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરના મામલે ચાલી રહેલા વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યભરમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા વિરોધ અને ફરિયાદોના પગલે ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL) એ પીછેહઠ કરવી પડી છે. રાજ્ય સરકારે જનતાના રોષને પારખીને નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણયથી લાખો વીજ ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો છે, જેઓ મીટરના રીડિંગમાં આવતી ગરબડ અને અચાનક વીજળી કપાઈ જવાની સમસ્યાથી પરેશાન હતા.
પાવર કોર્પોરેશનના ચેરમેન ડૉ. આશિષ ગોયલે રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓને કડક લહેજામાં સૂચના આપી છે કે જ્યાં સુધી ટેકનિકલ કમિટી પોતાનો રિપોર્ટ સોંપે નહીં, ત્યાં સુધી એક પણ નવું મીટર લગાવવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે, ૧૨ એપ્રિલે રચાયેલી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ હાલમાં મીટરમાં આવતી ટેકનિકલ ખામીઓ અને ડેટા સિંક્રોનાઈઝેશનની સમસ્યાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ગ્રાહકોનો મુખ્ય આક્ષેપ એવો હતો કે નવા મીટર લાગ્યા બાદ તેમના વીજ બિલોમાં અચાનક ૨૦ થી ૩૦ ટકાનો ઉછાળો આવ્યો હતો, જેની પાછળ ટેકનિકલ લોચો હોવાની આશંકા સેવાઈ રહી છે.
સરકારના આ આકરા વલણ બાદ હવે જે કંપનીઓને સ્માર્ટ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેમના પર પણ તપાસની તલવાર લટકી રહી છે. તપાસ સમિતિ એ પણ ચકાસશે કે શું મીટરની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવી છે કે કેમ. જ્યાં સુધી ગ્રાહકોની તમામ ફરિયાદોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી જૂના મીટરોને હટાવવાની પ્રક્રિયા સ્થગિત રહેશે. યોગી સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે જનહિતની સામે પ્રશાસન કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી ચલાવી લેવા તૈયાર નથી, અને હવે સમગ્ર ઉત્તર પ્રદેશની નજર આ તપાસ સમિતિના અંતિમ અહેવાલ પર ટકેલી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
