<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

વૈશ્વિક યુદ્ધો અને આર્થિક આંચકા સામે ભારતનું સુરક્ષા કવચ 'વીજળીકરણ': અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ સાગર અદાણીએ આપ્યો મજબૂત રોડમેપ

મધ્ય-પૂર્વના તણાવ અને ખોરવાતી સપ્લાય ચેઈન વચ્ચે ભારતની ઊર્જા સ્વાયત્તતા જળવી રાખવા માટે અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી દરેક ક્ષેત્રને ઇલેક્ટ્રિફાઇડ કરવું અનિવાર્ય હોવાનો આશાવાદ

નવી દિલ્હી:અમેરિકા-ઈરાન સંઘર્ષ અને મધ્ય-પૂર્વના અશાંત વાતાવરણને કારણે વૈશ્વિક ઊર્જા બજારોમાં ગમે ત્યારે ભાવ વધારાનો આંચકો આવવાની ભીતિ છે. આ પરિસ્થિતિમાં ભારત જેવા ઇંધણ આયાતકાર દેશ માટે આર્થિક જોખમો વધી રહ્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલી 'રેઝિલિયન્ટ ફ્યુચર્સ સમિટ'માં સાગર અદાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતનો શ્રેષ્ઠ બચાવ એ દરેક વસ્તુને વીજળીકૃત (Electrify) કરવી તે છે. ભારતનો માથાદીઠ ઊર્જા વપરાશ હજુ પણ વૈશ્વિક સરેરાશ કરતા ઘણો ઓછો છે, જે દર્શાવે છે કે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે આગામી બે દાયકામાં 2,000 ગીગાવોટ નવી ક્ષમતા ઉમેરવી પડશે.
સાગર અદાણીએ ભારપૂર્વક જણાવ્યું કે પાણીની સુરક્ષાથી લઈને ડિજિટલ ગ્રોથ સુધીના તમામ અવરોધોનો ઉકેલ માત્ર સસ્તી અને વિશ્વસનીય ઊર્જામાં રહેલો છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના અંદાજ મુજબ, 2035 સુધીમાં ભારત વિશ્વમાં ઊર્જાની માંગનું કેન્દ્ર બનશે. આ માંગને પહોંચી વળવા માટે માત્ર રિન્યુએબલ જ નહીં, પરંતુ હાઈડ્રો, થર્મલ અને પરમાણુ ઊર્જાનું સંતુલિત મિશ્રણ જરૂરી છે. જો ભારત વિપુલ પ્રમાણમાં સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી શકશે, તો તે માત્ર 1.4 અબજ લોકોને બાહ્ય આંચકાઓથી બચાવશે નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં પણ સ્થિરતા લાવશે.
અદાણી ગ્રુપના આ યુવા નેતૃત્વએ જૂથની $100 બિલિયનની રોકાણ પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમનો અભિગમ માત્ર પ્રોજેક્ટ્સ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગ્રીન હાઈડ્રોજન, ટ્રાન્સમિશન અને સ્ટોરેજનું સંકલિત માળખું ઊભું કરવાનો છે. બ્રાઉન યુનિવર્સિટીથી અભ્યાસ કરી પાયાના સ્તરેથી કાર્યરત થયેલા સાગર અદાણીએ રિન્યુએબલ એનર્જીના સ્કેલ-અપને ભારતની ભૂ-રાજકીય સુરક્ષા સાથે જોડીને એક નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, જે ભારતની ઊર્જા ક્રાંતિનો પાયો બની શકે છે.

(11:57 PM IST)