<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરી મેળવતા પહેલા પાત્રતા ચકાસણી પ્રક્રિયા અનિવાર્ય: યોગી સરકારે બદલ્યા નિયમો

નિમણૂક પત્ર મેળવતા અગાઉ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ચારિત્ર્ય ચકાસણી પૂર્ણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે, જેનાથી ભ્રષ્ટાચારને સંપૂર્ણ અંકુશમાં રાખી શકાશે.

લખનૌ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં સરકારી નોકરીઓ માટે પસંદગી પામનારા ઉમેદવારોની પાત્રતા ચકાસણી પ્રક્રિયામાં મોટો અને પારદર્શક ફેરફાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નવા નિર્ણય મુજબ હવે કોઈપણ ઉમેદવારને નિમણૂક પત્ર સોંપતા પહેલા તેમની પૂર્વ-ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે, જેથી કોઈપણ અયોગ્ય કે છેતરપિંડી કરનાર વ્યક્તિ સરકારી સેવામાં પ્રવેશ ન મેળવી શકે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, નિમણૂક અને કર્મચારી વિભાગના મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ અનુસાર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે પસંદ કરાયેલા ઉમેદવારોની ચારિત્ર્ય ચકાસણીનો અહેવાલ માત્ર ૩૦ દિવસની અંદર સબમિટ કરવાનો રહેશે. જો આ પ્રક્રિયામાં કોઈ વિલંબ થશે તો તે મામલો સીધો ગૃહ વિભાગને મોકલવામાં આવશે અને જવાબદાર અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવશે.

 

ચકાસણીમાં જો સમય મર્યાદાનું પાલન ન થાય તો ઉમેદવારોના નિમણૂક પત્રોને અટકાવવામાં નહીં આવે, પરંતુ ઉમેદવાર પાસેથી યોગ્ય સ્વ-ઘોષણાપત્ર મેળવ્યા બાદ તેમને કામચલાઉ ધોરણે નિમણૂક આપવામાં આવી શકશે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વહીવટી પ્રક્રિયાને સમયબદ્ધ કરવાનો છે.

 

સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી માર્ગદર્શિકામાં હત્યા, બળાત્કાર, આતંકવાદ, સંગઠિત ગુનાઓ, સાયબર ફ્રોડ, પરીક્ષા પેપર લીક, નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ અને ગૌહત્યા જેવા ગંભીર ગુનાઓને વિશેષરૂપે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર સામે આવા ગંભીર ગુનાઓમાં આરોપ સાબિત થાય કે કેસ નોંધાયેલ હોય તો સરકારી નોકરીનો માર્ગ કાયમ માટે બંધ થઈ શકે છે.

 

સાથે જ સરકારે સામાન્ય પ્રક્રિયામાં કેટલીક રાહત પણ પ્રદાન કરી છે, જેના અંતર્ગત માત્ર એફઆઈઆર (FIR) દાખલ થઈ જવા માત્રથી અથવા પેન્ડિંગ તપાસ કે કિશોર ન્યાય અધિનિયમ હેઠળના કેસોના કારણે ઉમેદવારને સ્વતઃ ગેરલાયક ગણવામાં આવશે નહીં જો અંતિમ ન્યાયિક પ્રક્રિયામાં તેને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો હોય.

 

આ ઉપરાંત, રાજ્યમાં અન્ય ભરતી પ્રક્રિયાઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ ગૌણ સેવા પસંદગી પંચ દ્વારા સ્ટેનોગ્રાફરની પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને આગામી ૧૧ નવેમ્બર સુધીમાં પોતપોતાના જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલેટ કરવા માટેની અંતિમ તક આપવામાં આવી છે.

(6:52 PM IST)