<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

OpenAI વિવાદમાં ઈલોન મસ્કની નિકટની સાથી શિવોન ઝિલિસની એન્ટ્રી: શું તે મસ્ક માટે 'ઇનસાઇડર' અથવા જાસૂસ તરીકે કામ કરતી હતી? કોર્ટમાં થયેલા વિસ્ફોટક ખુલાસાથી ખળભળાટ

મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચેના $150 અબજના જંગમાં શિવોન ઝિલિસ કેન્દ્રસ્થાને: ટેક્સ્ટ મેસેજ અને ઈમેઈલ દ્વારા OpenAI ની ગુપ્ત વિગતો મસ્ક સુધી પહોંચાડ્યાના આક્ષેપો, પ્રેમ અને સત્તાના સંઘર્ષની અનોખી કહાની

ઓકલેન્ડ (કેલિફોર્નિયા) : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જાયન્ટ OpenAI વચ્ચે ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ મુકદ્દમાએ હવે નવો વળાંક લીધો છે. કેલિફોર્નિયાની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મસ્કના ચાર બાળકોની માતા અને ન્યુરાલિંકની એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. OpenAI ના વકીલોએ દાવો કર્યો છે કે જ્યારે ઝિલિસ OpenAI ના બોર્ડમાં હતી, ત્યારે તે હકીકતમાં ઈલોન મસ્ક માટે એક 'ઇનસાઇડર' અથવા જાસૂસ તરીકે કામ કરતી હતી અને કંપનીની આંતરિક વિગતો મસ્ક સુધી પહોંચાડતી હતી.
૨૦૧૫માં મસ્કે સેમ ઓલ્ટમેન સાથે મળીને OpenAI ને બિન-લાભકારી સંસ્થા તરીકે સ્થાપી હતી, પરંતુ પાછળથી સત્તાના સંઘર્ષને કારણે મસ્કે કંપની છોડી દીધી હતી. હવે મસ્કે OpenAI પર કરાર ભંગનો આરોપ લગાવી ૧૫૦ અબજ ડોલર (અંદાજે ૧૨.૬ લાખ કરોડ રૂપિયા) ના નુકસાનની માંગણી કરી છે. આ ટ્રાયલ દરમિયાન એક ચોંકાવનારો ટેક્સ્ટ મેસેજ સામે આવ્યો છે, જેમાં ઝિલિસે મસ્કને પૂછ્યું હતું કે, "તમે શું ઈચ્છો છો, હું OpenAI સાથે નિકટતા જાળવી રાખું જેથી માહિતી મળતી રહે કે પછી હું અલગ થઈ જાઉં?" જેના જવાબમાં મસ્કે લખ્યું હતું, "નિકટતા જાળવી રાખો."
મસ્કની સ્પર્મ ડોનેશનની ઓફર અને ઝિલિસની પ્રેગ્નન્સીનો મામલો
કોર્ટમાં જુબાની દરમિયાન શિવોન ઝિલિસે પોતાની વ્યક્તિગત જિંદગી વિશે પણ ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું કે ૨૦૨૦ ની આસપાસ મસ્કે તેને સ્પર્મ ડોનેશનની ઓફર કરી હતી કારણ કે તે ઈચ્છતા હતા કે તેમની આસપાસના લોકો વધુ બાળકો પેદા કરે. ઝિલિસે આઈવીએફ (IVF) દ્વારા બાળકોને જન્મ આપ્યો હતો. OpenAI ના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેને જણાવ્યું કે ઝિલિસ જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે મસ્ક પિતા હોવાની વાત છુપાવી હતી, જેનો ખુદો ૨૦૨૨ માં મીડિયા રિપોર્ટ્સ દ્વારા થયો હતો.
બંને પક્ષો વચ્ચે કડી તરીકેની ભૂમિકા
પુરાવાઓ મુજબ, ઝિલિસ માત્ર મસ્કને માહિતી જ નહોતી આપતી, પરંતુ તે સેમ ઓલ્ટમેનને પણ સલાહ આપતી હતી કે મસ્ક સાથે કેવી રીતે વ્યવહાર કરવો. જ્યારે ૨૦૨૨ માં મસ્ક માઇક્રોસોફ્ટના ફંડિંગને લઈને ગુસ્સે થયા હતા, ત્યારે ઓલ્ટમેને ઝિલિસ પાસે સલાહ માંગી હતી. ઝિલિસે તેને તરત જવાબ ન આપવાની સલાહ આપી હતી. આ દર્શાવે છે કે ૨૦૨૩ માં પદ છોડતા પહેલા ઝિલિસ બંને પક્ષો વચ્ચે અત્યંત પ્રભાવશાળી ભૂમિકા ભજવી રહી હતી.
હાલમાં ઈલોન મસ્કે સ્વીકાર્યું છે કે તે ઝિલિસ સાથે રહે છે અને તેને પોતાની 'પાર્ટનર' ગણાવે છે. જોકે, તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો કે ઝિલિસે ક્યારેય પ્રોપર ઓથોરાઈઝેશન વગર OpenAI ની કોઈ ગુપ્ત માહિતી તેમની સાથે શેર કરી નથી. આ ટ્રાયલ અત્યારે ટેક જગતની સૌથી મોટી કાનૂની લડાઈ બની ગઈ છે, જેમાં વ્યક્તિગત સંબંધો અને વ્યાવસાયિક હિતો એકબીજા સાથે વણાયેલા જોવા મળી રહ્યા છે.

(7:12 PM IST)