<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

એલોન મસ્કનું અમેરિકન બાળકો માટે ભવ્ય વચન: દરેક બાળકને આપશે સ્પેસએક્સના ફ્રી શેર : ટ્રમ્પે માન્યો ‘મોટો આભાર’

ટ્રમ્પ એકાઉન્ટ્સ’ યોજના હેઠળ સ્પેસએક્સના સ્ટોકનું ફ્રી વિતરણ કરાશે : પાત્રતા, સમય અને વિતરણ પ્રક્રિયાની વિગતો જાહેર થવાની બાકી: માઈકલ ડેલે પણ ૨૫ મિલિયન બાળકો માટે $૬.૨૫ બિલિયનનું આપ્યું ફંડ

ટેક બિલિયોનેર એલોન મસ્કે આગામી વર્ષથી અમેરિકાના દરેક બાળકને પોતાની સ્પેસ કંપની 'સ્પેસએક્સ'  ના શેરનો હિસ્સો મફતમાં આપવાની મોટી જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કની આ અવિશ્વસનીય ઉદારતા બદલ તેમનો "મોટો આભાર" વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયને અમેરિકન બાળકોના ભવિષ્ય અને 'અમેરિકન ડ્રીમ' માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે, "અમારા મહાન મિત્ર એલોન મસ્કનો ખૂબ ખૂબ આભાર. 'ટ્રમ્પ એકાઉન્ટ્સ' દ્વારા અમેરિકન બાળકોને સ્પેસએક્સના શેર આપવામાં તેમની ઉદારતા અસાધારણ છે." ટ્રમ્પે ઉમેર્યું હતું કે ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગપતિઓ અને સરકાર સાથે મળીને બાળકોના ભવિષ્યમાં રોકાણ કરે તે જ વિઝન સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ પહેલથી લાખો બાળકોને નાણાકીય મૂડી અને રોકાણની શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે.


એલોન મસ્કે પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા લખ્યું હતું કે, "આગામી વર્ષે, હું અમેરિકાના દરેક બાળકને મારા સ્પેસએક્સ સ્ટોકનો હિસ્સો આપવા જઈ રહ્યો છું. બાળકો માટે લેવાનારા શ્રેણીબદ્ધ પગલાંઓ પૈકી આ માત્ર પહેલું કદમ હશે." જોકે, આ યોજના માટે બાળકોની પાત્રતાના નિયમો, શેર ટ્રાન્સફર કરવાની પદ્ધતિ તથા કયા મહિનામાં આ સ્ટોક ખાતાઓમાં ટ્રાન્સફર થશે તેની ટેકનિકલ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

નોંધનીય છે કે ‘ટ્રમ્પ એકાઉન્ટ્સ’ એ બાળકો માટે બનાવવામાં આવેલા ખાસ રોકાણ ખાતાઓ છે. મસ્ક પહેલાં અબજોપતિ ઉદ્યોગપતિ માઈકલ ડેલ અને તેમના પત્ની સુસાન ડેલે પણ ૨૫ મિલિયન બાળકોના ખાતામાં ભંડોળ પૂરું પાડવા માટે $૬.૨૫ બિલિયન (અંદાજે ૬૨૫ કરોડ ડોલર) આપવાનું વચન આપ્યું હતું, જે મુખ્યત્વે ઓછી આવક ધરાવતા વિસ્તારોના બાળકોને ફાળવવામાં આવશે.

૨૦૨૪ ની ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પના સમર્થનમાં $૨૦૦ મિલિયનથી વધુનો ખર્ચ કર્યો હતો અને ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતમાં 'ગવર્નમેન્ટ એફિશિયન્સી ડિપાર્ટમેન્ટ' (DOGE) માં પણ સેવા આપી હતી. મે ૨૦૨૫ માં સરકારી ભૂમિકા છોડ્યા બાદ ટ્રમ્પના સરકારી ખર્ચ બિલ બાબતે બંને વચ્ચે મતભેદો સામે આવ્યા હતા, પરંતુ તાજેતરના મહિનાઓમાં ફરી બંને જાહેર મંચો પર સાથે જોવા મળી રહ્યા છે.

(10:30 PM IST)