તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
એલોન મસ્ક અને ઓપનએઆઈના મહાયુદ્ધમાં 'પંજાબી કનેક્શન': શિવોન ઝિલિસની જુબાનીથી ટેક જગતમાં ખળભળાટ, અબજો ડોલરના કેસમાં નવો વળાંક
મસ્કના ચાર બાળકોની માતા અને ન્યુરાલિંકની એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસ કોર્ટમાં મુખ્ય સાક્ષી તરીકે રજૂ: 'એલોન વ્હિસ્પરર' તરીકે જાણીતી શિવોન બંને પક્ષોના રહસ્યો ખોલશે

કેલિફોર્નિયા: એલોન મસ્ક અને ઓપનએઆઈ વચ્ચેની કાનૂની લડાઈ હવે વધુ રસપ્રદ અને જટિલ વળાંક પર પહોંચી ગઈ છે. કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ચાલી રહેલા આ ટ્રાયલના બીજા સપ્તાહમાં પંજાબી મૂળના શિવોન ઝિલિસ મુખ્ય સાક્ષી તરીકે ઉભરી આવ્યા છે. ઓન્ટારિયોમાં જન્મેલા અને યેલ યુનિવર્સિટીના સ્નાતક શિવોન માત્ર મસ્કના ચાર બાળકોની માતા જ નથી, પરંતુ તેઓ ઓપનએઆઈના પૂર્વ બોર્ડ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમની આ બેવડી ભૂમિકા અને બંને પક્ષો સાથેના ગાઢ સંબંધો આ હાઈ-પ્રોફાઈલ કેસના પરિણામને નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, શિવોન પર આરોપ છે કે તેમણે ઓપનએઆઈના બોર્ડમાં હોવા છતાં મસ્કની કંપનીઓ ટેસ્લા અને ન્યુરાલિંકમાં મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. ઓપનએઆઈના વકીલોનો તર્ક છે કે શિવોન "ગુપ્ત મધ્યસ્થી" તરીકે કામ કરતા હતા અને કંપનીની આંતરિક વિગતો મસ્ક સાથે શેર કરતા હતા. મસ્કે પોતે શપથ હેઠળ સ્વીકાર્યું છે કે તેઓ અને શિવોન સાથે રહે છે, જે સંબંધો લાંબા સમય સુધી છૂપાવવામાં આવ્યા હોવાનો દાવો કાનૂની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગત સંબંધો તેમની જુબાનીની નિષ્પક્ષતા પર મોટા સવાલો ઉભા કરી રહ્યા છે.
મસ્ક આ કેસમાં અંદાજે 150 બિલિયન ડોલરના વળતરની માંગ કરી રહ્યા છે અને ઓપનએઆઈને ફરીથી બિન-લાભકારી સંસ્થા બનાવવા દબાણ કરી રહ્યા છે. બીજી તરફ, સેમ ઓલ્ટમેનની કંપનીનો આરોપ છે કે મસ્ક પોતાના એઆઈ સાહસ 'xAI' ને ફાયદો કરાવવા માટે આ કાનૂની ખેલ રમી રહ્યા છે. 2023માં જ્યારે ઓલ્ટમેનને સીઈઓ પદ પરથી હટાવવામાં આવ્યા હતા, ત્યારે પણ શિવોનની ભૂમિકા શંકાસ્પદ રહી હતી. હવે ટેક જગતની નજર શિવોન પર છે, કારણ કે તેમની એક જુબાની આ આખી લડાઈનું પાસું પલટી શકે છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
