તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th October 2026
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ મંજૂરી મામલે એલોન મસ્કનો કટાક્ષ - "ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી, તમે જ ભારતના સાચા બોસ છો" લખીને સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી
"સ્ટારલિંક સેવાને ભારતમાં અટકાવવા પાછળ વિદેશી ષડયંત્ર કે ઈજારાશાહી?" મસ્કના સતત બીજા દિવસે તીખા વિધાન બાદ સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચાતું હોવાની જોરશોરથી ચર્ચાઓ જાગી

નવી દિલ્હી:ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાના મુદ્દે વૈશ્વિક ઉદ્યોગપતિ અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફરી આજે, સતત બીજા દિવસે કટાક્ષપૂર્ણ ટ્વિટ કરીને મોટો વિવાદ ઊભો કર્યો છે. ભારતમાં સેટેલાઇટ સ્પેક્ટ્રમ અને સુરક્ષા મંજૂરીઓમાં થઈ રહેલા વિલંબથી અસંતુષ્ટ થઈ મસ્કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પર સીધો પ્રહાર કરતા લખ્યું હતું કે, "ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી, કૃપા કરીને મારી નમ્ર માફી સ્વીકારો કે મને ખ્યાલ નહોતો કે તમે જ ભારતના સાચા બોસ છો". તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અંબાણી ભારતની પ્રજા પર પોતાની ઈજારાશાહી (Monopolistic Exploitation) જાળવી રાખવા માંગે છે. સ્ટારલિંકના પ્રવેશથી દેશના ગ્રામીણ વિસ્તારો, બાળકોના શિક્ષણ અને નાના વ્યવસાયોને વૈશ્વિક માર્કેટ મળશે તેવો દાવો કરીને મસ્કે ભારતમાં મંજૂરી અટકાવવા પાછળ અંબાણીની ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો છે.
મસ્કની આ કટાક્ષભરી પોસ્ટ સામે આવતાની સાથે જ ભારતીય ડિજિટલ સ્પેસ અને સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અનેક વિશ્લેષકો અને નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ભારતની સંપ્રભુતા અને કાયદાકીય પ્રક્રિયાઓને નિશાન બનાવીને ભારત વિરુદ્ધ કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચાઈ રહ્યું છે? ભારત સરકાર દ્વારા ટેલિકોમ લાયસન્સ આપવા છતાં રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા પ્રાઇવસીની ચકાસણીની કામગીરી ચાલુ છે. ત્યારે ભારતના સુરક્ષા ધોરણોનું પાલન કરવાના બદલે ભારતીય નેતૃત્વ અને સ્થાનિક ઉદ્યોગો પર વિદેશી ઉદ્યોગપતિ દ્વારા આ પ્રકારે જાહેરમાં કટાક્ષ કરવો એ ભારતની છબી ખરાબ કરવાનો આંતરરાષ્ટ્રીય પ્રયાસ હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
નોંધનીય છે કે ભારતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન સેવાની મંજૂરી માટે જીઓ સેટેલાઇટ, એરટેલ-સમર્થિત વનવેબ અને મસ્કની સ્ટારલિંક ત્રણેય કંપનીઓ હાલ સુરક્ષા સ્પષ્ટતાના એક સરખા જ તબક્કામાં છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશના નાગરિકોના ડેટા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. છતાં પણ મસ્ક દ્વારા વારંવાર ભારતીય સિસ્ટમ અને સ્થાનિક ઉદ્યોગપતિઓ સામે આ પ્રકારે ઝેર ઓકવામાં આવતા આ મામલો હવે ટેક્નોલોજી સિવાય આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વિદેશી દબાણ ઊભું કરવાના ષડયંત્ર તરફ વળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
