<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

એલોન મસ્કનો ભયાનક ઈશારો: "AI આપણો જીવ પણ લઈ શકે છે!"

OpenAI સાથેની કાનૂની લડાઈમાં મસ્કે 'ટર્મિનેટર' જેવી ભયાનક સ્થિતિની આપી ચેતવણી : માનવતાના અસ્તિત્વ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ગણાવ્યું સૌથી મોટું જોખમ

કેલિફોર્નિયા:  વિશ્વના સૌથી ધનિક અને વિવાદાસ્પદ ટેક જાયન્ટ એલોન મસ્કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ભવિષ્યને લઈને ફરી એકવાર સ્ફોટક નિવેદન આપ્યું છે. કેલિફોર્નિયાની કોર્ટમાં ચાલી રહેલી કાનૂની સુનાવણી દરમિયાન મસ્કે ગંભીર સૂરે જણાવ્યું કે, જો AI ને યોગ્ય નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો તે માનવજાત માટે 'ટર્મિનેટર' જેવું ભયાનક સપનું સાબિત થઈ શકે છે. તેમણે ચેતવણી આપી છે કે અદ્યતન AI મોડેલો એટલા શક્તિશાળી બની શકે છે કે તે આપણા નિયંત્રણની બહાર જઈને મનુષ્યોના અસ્તિત્વને પણ ખતમ કરી શકે છે. હોલીવુડની ફિલ્મો જેવો આ અંધકારમય નજારો હવે માત્ર કલ્પના નથી, પણ એક વાસ્તવિક ખતરો હોવાનું મસ્કનું માનવું છે.

OpenAI સાથેના વિવાદમાં મસ્કે પોતાના જૂના રોકાણને "પાગલપન" ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે OpenAI તેની મૂળભૂત ફિલસૂફીથી ભટકી ગઈ છે. જે સંસ્થા નફો ન કમાવવાના  હેતુથી અને માનવતાના ભલા માટે સ્થાપવામાં આવી હતી, તે હવે નફો કરતી એક જાયન્ટ ટેક કંપની બની ગઈ છે. મસ્કે 2015માં ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ સાથે થયેલી વાતચીતને યાદ કરતા કહ્યું કે, ઘણા લોકો AI ના જોખમોને અવગણીને તેને આદર્શ સમાજ બનાવવાનું સાધન માને છે, જે ખરેખર જોખમી માનસિકતા છે. તેમના મતે, AIની ઝડપી પ્રગતિ માનવીય બુદ્ધિને કચડી નાખવાની ક્ષમતા ધરાવે છે.

જોકે, આ ભયાનક ભવિષ્યથી બચવા માટે મસ્કે પોતાના પ્રોજેક્ટ 'ન્યુરાલિંક' (Neuralink) ને એક આશાનું કિરણ ગણાવ્યું છે. તેમણે કોર્ટમાં સૂચન કર્યું કે જો મનુષ્યનું મગજ સીધું જ મશીનો સાથે જોડાઈ શકે, તો માનવજાત અને AI વચ્ચે સંતુલન જાળવી શકાશે. ન્યુરાલિંક દ્વારા મનુષ્યો પોતાની બુદ્ધિને ટેકનોલોજી સાથે જોડીને AI ના પ્રભુત્વ સામે ટકી શકશે. મસ્કનું માનવું છે કે આ પ્રકારનું સંયોજન જ ભવિષ્યમાં AI ને માનવજાત માટે હાનિકારક બનતા અટકાવી શકે છે. હવે જોવાનું એ છે કે વિશ્વ મસ્કની આ ચેતવણીને કેટલી ગંભીરતાથી લે છે.

(8:41 PM IST)