<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

કેમ્પસમાં શરમજનક ઘટના CCTV માં કેદ: કર્ણાટકના KGF માં ખુરશી મૂકવા બાબતે તકરારમાં સહાધ્યાયીએ વિદ્યાર્થિની પર કર્યો ભયાનક હુમલા, યુવતી ચક્કર ખાઈને ફ્લોર પર ઢળી પડી!

મહાવીર જૈન કોલેજના ક્લાસરૂમમાં બનેલી ઘટના; સહાધ્યાયીઓએ મજાક ઉડાવ્યા બાદ મામલો બિચક્યો, રોબર્ટસનપેટ પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

કેજીએફ (કર્ણાટક) :  કર્ણાટકના KGF શહેર સ્થિત આવેલી પ્રસિદ્ધ મહાવીર જૈન કોલેજના વર્ગખંડમાંથી એક અત્યંત ચિંતાજનક અને હિંસક ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં બેસવાની ખુરશી આગળ-પાછળ કરવા જેવી નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ અચાનક ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાની જ સહાધ્યાયી યુવતી પર તૂટી પડીને તેને આડેધડ માર માર્યો હતો, જેના કારણે યુવતી ચક્કર આવીને ફ્લોર પર ઢળી પડી હતી. આ સમગ્ર શરમજનક ઘટના ક્લાસરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

 

મજાક-મસ્તીમાંથી વાત મારામારી સુધી પહોંચી:

 

મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં ખુરશી ખસેડવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ યુવતીની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ યુવતીની નજીક આવીને ધમકાવવા લાગ્યા હતા. બચાવ અને આક્રોશમાં આવીને યુવતીએ એક વિદ્યાર્થીને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો.

 

વિદ્યાર્થિની બેભાન થઈને જમીન પર પટકાઈ:

 

CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતીએ હાથ ઉપાડતા જ સામે પક્ષે રહેલા વિદ્યાર્થીએ તેના પર આક્રમક હુમલો કરી દીધો હતો. વિદ્યાર્થીએ યુવતીને સળંગ બે થી ત્રણ વાર અત્યંત કુરુતાપૂર્વક માર માર્યો હતો. હુમલાના આઘાત અને ઈજાના કારણે માસૂમ વિદ્યાર્થિની ક્ષણભરમાં જ ભાન ગુમાવીને ક્લાસરૂમના ફ્લોર પર ઢળી પડી હતી. યુવતી ઢળી પડતાં જ વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને તેને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

 

પોલીસે હાથ ધરી કાનૂની કાર્યવાહી:

 

ઘટના બાદ તરત જ ઈજાગ્રસ્ત બેભાન યુવતીને સારવાર અર્થે KGF ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ મળતાની સાથે જ રોબર્ટસનપેટ પોલીસ સ્ટેશને હુમલો કરનાર કથિત વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ કોલેજના CCTV ફૂટેજ જપ્ત કરીને ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું છે.

(8:47 PM IST)