News of Saturday, 16th May 2026
કર્મચારીઓની છટણી અને શેરબજારમાં કડાકો, છતાં TCSના બોસના બખ્ખાં: કરોડોમાં વધ્યો પગાર!
આઈટી સેક્ટરમાં AIના ડર વચ્ચે કંપનીના મૂલ્યમાં 50 ટકાનો ઘટાડો થયો હોવા છતાં CEO કે. કૃતિવાસનનું પેકેજ ₹28 કરોડને પાર : સામાન્ય કર્મચારી અને ટોચના મેનેજમેન્ટ વચ્ચેના વેતનમાં આભ-જમીનનો તફાવત

મુંબઈ: દેશની સૌથી મોટી આઈટી નિકાસકાર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) હાલમાં બેવડા પડકારોનો સામનો કરી રહી છે, પરંતુ તેના ટોચના મેનેજમેન્ટના વળતરમાં કોઈ કમી જોવા મળી રહી નથી. નાણાકીય વર્ષ 2026 ના વાર્ષિક અહેવાલ મુજબ, કંપનીના CEO કે. કૃતિવાસનનો પગાર વધીને ₹28.1 કરોડ થયો છે. આ આંકડો સામાન્ય કર્મચારીના સરેરાશ પગાર કરતા 332 ગણો વધારે છે. નવાઈની વાત એ છે કે, આ વધારો એવા સમયે થયો છે જ્યારે કંપનીએ છેલ્લા એક વર્ષમાં તેના કર્મચારીઓની સંખ્યામાં 23,460 નો મોટો ઘટાડો કર્યો છે, જે કોર્પોરેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે AI ના વધતા પ્રભાવના ડરથી રોકાણકારોએ TCS ના શેર પરથી હાથ ખેંચી લીધો છે. ઓગસ્ટ 2024 માં જે શેરની કિંમત ₹4,400 હતી, તે આજે ઘટીને અડધી એટલે કે ₹2,200 પર આવી ગઈ છે. શેરના ભાવમાં આટલો મોટો કડાકો બોલ્યો હોવા છતાં, કંપનીના નફામાં નજીવો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2026 માં કંપનીનો ચોખ્ખો નફો ₹49,210 કરોડ રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે કંપની ખર્ચ ઘટાડવા માટે છટણીનો સહારો લઈ રહી છે, જેની અસર મધ્યમ અને જુનિયર સ્તરના કર્મચારીઓના મનોબળ પર પડી રહી છે.
કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓની વાત કરીએ તો, COO આરતી સુબ્રમણ્યમનું પેકેજ પણ ₹18.3 કરોડ સુધી પહોંચ્યું છે. જોકે, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને પોતાની પરંપરા જાળવી રાખીને કોઈ કમિશન લીધું નથી અને માત્ર મિટિંગ ફી તરીકે ₹4.2 લાખ મેળવ્યા છે. એક તરફ સામાન્ય કર્મચારીઓને 1.5 થી 6 ટકા જેવો સામાન્ય વધારો મળી રહ્યો છે, ત્યારે ઉચ્ચ હોદ્દેદારોના કરોડોના પેકેજ અને શેરના ભાવમાં થયેલા નુકસાનને જોતા રોકાણકારો હવે આગામી સમયમાં કંપનીની વ્યુહરચના સામે સવાલો ઉઠાવી શકે છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
