<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

કર્મચારીઓને લાગશે ઝટકો :OPS પર પરત ફરવું સરળ નથી : 8માં પગાર પંચ અંગે ચર્ચાના વિવિધ તબક્કા પસાર

જો સરકાર સંપૂર્ણ OPS પર પાછી ફરે છે તો આ મોટી રકમ બજારમાંથી અચાનક પાછી ખેંચી લેવી પડશે. તેનાથી શેર અને બોન્ડ બજારોમાં નોંધપાત્ર ઉથલપાથલ થશે

નવી દિલ્હી :કર્મચારી યુનિયનો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની જગ્યાએ જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરશે. જોકે જેમ-જેમ 8માં પગાર પંચ અંગે ચર્ચાના વિવિધ તબક્કા પસાર થઈ રહ્યા છે ત્યારે હવે કર્મચારીઓના પ્રતિનિધિઓ એ બાબત સ્વીકારવા લાગ્યા છે કે નેશનલ પેન્શન સ્કીમ (NPS)નો સંપૂર્ણપણે અંત લાવવો એટલું સરળ નથી

હકીકતમાં NPS લાગુ થયાને આશરે બે દાયકા સમય પસાર થઈ ગયો છે. આ દરમિયાન કર્મચારીઓ અને સરકારી યોગદાનથ સિસ્ટમમાં રૂપિયા 16.5 લાખ કરોડથી વધારે રકમ જમા થઈ ગઈ છે. આ પૈકી વિવિધ સરકારી નાણાકીય સંસ્થાઓ મારફતે શેરબજાર, સરકારી બોન્ડ અને કોર્પોરેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ થયેલ છે.

આ સ્થિતિમાં જો સરકાર સંપૂર્ણ OPS પર પાછી ફરે છે તો આ મોટી રકમ બજારમાંથી અચાનક પાછી ખેંચી લેવી પડશે. તેનાથી શેર અને બોન્ડ બજારોમાં નોંધપાત્ર ઉથલપાથલ થશે. વધુમાં તરલતા સંકટ વધુ ઘેરું થવાનું જોખમ છે.

આ જ કારણ છે કે ઘણા કર્મચારી સંગઠનો હવે ફક્ત OPS પાછું લાવવાની વાત નથી કરી રહ્યા પરંતુ હાલના NPS અથવા યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ના માળખામાં OPS જેવી ગેરંટીની પણ માંગ કરી રહ્યા છે.

નાણાકીય બજારની જટિલતાઓ હોવા છતાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના (OPS)ની માંગ કરે છે કારણ કે તે તેમને જીવન માટે 100% સુરક્ષિત અને મોંઘવારી મુક્ત ભવિષ્યની ખાતરી આપે છે. OPS હેઠળ પેન્શન હેતુઓ માટે તેમના પગારમાંથી એક પણ રૂપિયો કાપવામાં આવતો નથી. સરકાર તેના બજેટમાંથી સમગ્ર પેન્શન ખર્ચ ભોગવે છે.

NPS/UPS હેઠળ કર્મચારીઓએ દર મહિને તેમના મૂળ પગારના 10 ટકા પેન્શન ફંડમાં ફાળો આપવા જરૂરી છે. તેમનું માનવું છે કે તેમની મહેનતથી કમાયેલા પૈસામાંથી આ કપાત અન્યાયી છે. OPS હેઠળ સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું (DA) વધારે છે જ્યારે NPS હેઠળ, આવું નથી.

(10:30 PM IST)