<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

તહેવારોની મોસમમાં રોજગારની ક્રાંતિ: એમેઝોન ઇન્ડિયાએ ૧.૬ લાખથી વધુ મોસમી નોકરીઓની કરી જાહેરાત, દેશભરના ૪૦૦ થી વધુ શહેરોના યુવાનોને મળશે તક

મેટ્રો સિટીઝથી લઈને ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં ડિલિવરી, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી તકોનો સાગર; ઈ-કોમર્સ ક્ષેત્રમાં તહેવારોના ધસારાને પહોંચી વળવા જોરદાર તૈયારીઓ

નવી દિલ્હી : આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન ઇન્ડિયાએ દેશભરના યુવાનો માટે મોટા સમાચાર આપ્યા છે. કંપનીએ પોતાના ઓપરેશન અને લોજિસ્ટિક્સ નેટવર્કનો વિસ્તાર કરતાં ૧,૬૦,૦૦૦ (૧.૬ લાખ) થી વધુ મોસમી (સીઝનલ) નોકરીઓની જાહેરાત કરી છે. તહેવારો દરમિયાન ઈ-કોમર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ગ્રાહકોના વધતા ઓર્ડર, ખરીદી અને ડિલિવરીની માંગને સરળતાથી પહોંચી વળવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

એમેઝોન દ્વારા ઉભી કરવામાં આવેલી આ રોજગારીની તકો દેશના ૪૦૦ થી વધુ શહેરોમાં ફેલાયેલી છે. જેમાં મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરો ઉપરાંત વારાણસી, કોચી, જલંધર, ગાઝિયાબાદ, રાંચી, સેલમ અને ગોરખપુર જેવા ટાયર-૨ અને ટાયર-૩ શહેરોનો પણ સમાવેશ થાય છે. નવા જોડાયેલા કર્મચારીઓને પ્રોડક્ટ સેલેક્શન, પેકિંગ, શિપિંગ અને ડોર-સ્ટેપ ડિલિવરી જેવા કામો માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવી રહી છે.

 

ઈ-કોમર્સ ક્ષેત્રે બમ્પર વૃદ્ધિ અને સલામતી સુવિધાઓ

 

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઓપરેશન્સ અભિનવ સિંઘે જણાવ્યું હતું કે આ વિસ્તૃત કાર્યબળથી અમારી લોજિસ્ટિક્સ ક્ષમતાઓમાં વધારો થશે. તેમણે ઉમેર્યું કે ઘણા સીઝનલ કર્મચારીઓ તહેવારો પૂરા થયા પછી પણ કંપની સાથે કાયમી ધોરણે જોડાયેલા રહે છે. તમામ મોસમી કર્મચારીઓને સલામતી, કલ્યાણકારી યોજનાઓ અને અન્ય કંપની લાભોની ઍક્સેસ પણ આપવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે, તહેવારો દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી અને બ્યુટી પ્રોડક્ટ્સની માંગમાં ભારે ઉછાળો આવે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય ઈ-કોમર્સ માર્કેટ ૨૦૨૪ ના ૧૨૫ અબજ ડોલરથી વધીને ૨૦૩૦ સુધીમાં ૩૪૫ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. એમેઝોન સિવાય અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પણ મોટા પાયે ભરતી કરી રહ્યા છે, જેનાથી દેશના આર્થિક ક્ષેત્ર અને રોજગાર બજારને મોટો બૂસ્ટ મળી રહ્યો છે.

(7:01 PM IST)