તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
કાશ્મીર ઘાટીના બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર: 'ઓપરેશન અશદર' હેઠળ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો : દૂધપથરી અને યુસમાર્ગ જતા પ્રવાસીઓ માટે હાઇ એલર્ટ અને એડવાઇઝરી જારી
કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓની શાંતિ બાદ થયેલા આ એન્કાઉન્ટરે સંરક્ષણ દળોને વધુ સતર્ક કરી દીધા

શ્રીનગર : કુદરતી સૌંદર્યથી ઘેરાયેલી કાશ્મીર ઘાટીના શાંત વાતાવરણમાં શુક્રવારે સવારે અચાનક ગોળીબારના ધડાકાઓથી સન્નાટો છવાઈ ગયો હતો. બડગામ જિલ્લાના દુર્ગમ અશદર ગલી વિસ્તારમાં ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ (CRPF)ના સંયુક્ત દળોએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરેલા 'ઓપરેશન અશદર' દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં સફળતા મેળવી છે. પુલવામાના પાખેરપોરાથી યુસમાર્ગ તરફ આતંકવાદીઓના એક જૂથની શંકાસ્પદ હિલચાલ અંગે મળેલા ચોક્કસ ઇનપુટ્સ બાદ આ પ્રચંડ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાએ ઘેરાબંધી કરતા જ આતંકીઓએ આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો જવાનોએ મનોબળ સાથે જડબાતોડ જવાબ આપી આતંકીને ઢેર કર્યો હતો.
ઘટનાસ્થળેથી સુરક્ષા દળોને એક ઘાતક એકે-૪૭ (AK-47) રાઇફલ, મોટા પ્રમાણમાં દારૂગોળો અને યુદ્ધમાં વપરાતા લશ્કરી સાધનો મળી આવ્યા છે. આ ઘેરાબંધી એટલી સઘન છે કે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને અન્ય છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ માટે વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. આ ઓપરેશનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહિવટીતંત્રે પ્રવાસીઓ માટે તાત્કાલિક અસરથી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ખાસ કરીને પ્રખ્યાત પર્યટન સ્થળ દૂધપથરી અને યુસમાર્ગ નજીક આ ઓપરેશન ચાલી રહ્યું હોવાથી પ્રવાસીઓને આગામી સૂચના સુધી આ વિસ્તારોની મુલાકાત ન લેવા અને લોકપ્રિય સ્થળોથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.
કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓની શાંતિ બાદ થયેલા આ એન્કાઉન્ટરે સંરક્ષણ દળોને વધુ સતર્ક કરી દીધા છે. પીર પંજાલ રેન્જના ગાઢ જંગલો ધરાવતા પૂંછ, રાજૌરી, બારામુલ્લા, પુલવામા અને શોપિયાં જિલ્લાઓમાં પણ આતંકીઓની નાસભાગ અટકાવવા કોમ્બિંગ ઓપરેશન તેજ કરી દેવાયું છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ છતી કરવા અને તેના નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ ચાલુ છે. સેના અને પોલીસના આ અવિરત ઓપરેશનથી સ્પષ્ટ સંદેશ જાય છે કે સરહદ પારથી થતી કોઈપણ ઘૂસણખોરી કે આતંકવાદી પ્રવૃત્તિને ભારતીય દળો જમીનદોસ્ત કરવા માટે સજ્જ છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
