હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુપવાડામાં કેરન સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ: 2 આતંકવાદીઓ ઠાર
કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક અથડામણ બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું: સરહદ પારથી થતા નાપાક ષડયંત્રો સામે સેનાની બાજનજર

જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા કુપવાડામાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષે થયેલા સામસામે ગોળીબારમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. જવાનોની ત્વરિત કાર્યવાહીના કારણે આતંકીઓનું મોટું ષડયંત્ર ઊંધું વળી ગયું છે. હાલ આ વિસ્તારમાં સૈન્યનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉત્તરી કાશ્મીરના કેરન સેક્ટર સ્થિત જુમગુંડ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક આ ઘટના બની હતી. સરહદ પર તૈનાત સતર્ક જવાનોએ અંધારામાં શંકાસ્પદ હિલચાલ નિહાળી હતી. જવાનોએ તાત્કાલિક ઘૂસણખોરોને પડકાર ફેંકીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આતંકીઓએ ઘેરાઈ જતાં જવાનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનોએ પણ વળતો જડબાતોડ જવાબ આપતાં બંને આતંકવાદીઓને ઘટનાસ્થળે જ પતાવી દીધા હતા.
ઘટના બાદ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જવાનોએ સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લઈને વધારાની ટુકડીઓ ગોઠવી દીધી છે. આ ઘૂસણખોરીનો પ્રયાસ હતો કે, અન્ય સાથીઓ પણ છુપાયેલા છે, તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી આગળની વિગતો મેળવવા તપાસ ચાલુ રખાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સરહદ પર કેટાલક આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. થોડા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક જોરદાર બ્લાસ્ટ થયો હતો. ક્રિષ્ના ઘાટી સેક્ટરના નંગી ટેકરી વિસ્તારમાં ઝીરો લાઇન પાસે એન્ટી-ઇનફિલ્ટ્રેશન ગ્રીડ હેઠળ બિછાવેલી માઇન્સ ફાટી ગઈ હતી. આ પ્રચંડ લેન્ડમાઇન વિસ્ફોટમાં ઘૂસણખોરીની ફિરાકમાં રહેલા 4 આતંકવાદીઓના મોત થયા હતા.
પુંછમાં થયેલા તે વિસ્ફોટમાં માર્યા ગયેલા આતંકીઓની ઓળખ પણ સામે આવી ચૂકી છે. તેમાં લશ્કર-એ-તૈયબાનો કુખ્યાત ટોપ કમાન્ડર મોહમ્મદ ફૈઝાન પણ ઢેર થયો હતો. તેની સાથે રહેલા અન્ય 3 આતંકવાદીઓ વકાસ, ઇશ્તિયાક અને આસિમ પણ મોતને ભેટ્યા હતા. તે ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર સેક્ટરમાં હાઈ એલર્ટ જારી કર્યું હતું. સરહદ પારથી થતી કોઈપણ ઘૂસણખોરીને ડામી દેવા સેનાએ ચોકી અને પેટ્રોલિંગ અત્યંત મજબૂત બનાવી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
