તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ગુરુગ્રામમાં ક્રાઈમ બ્રાન્ચ અને કુખ્યાત દીપક નંદલ ગેંગના શાર્પશૂટર્સ વચ્ચે એન્કાઉન્ટર :ગેંગના 4 બદમાશો ઠાર: ત્રણ પોલીસ જવાન ઘાયલ
મોડીરાત્રે ગુરુગ્રામના પોશ ગણાતા સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ભીષણ મુઠભેડ :બદમાશો સ્થાનિક ઉદ્યોગપતિના ઘર પર આધુનિક હથિયારોથી અંધાધૂંધ ફાયરિંગ કરતા હતા ત્યારે પોલીસ પહોંચી

હરિયાણાના ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર રાત્રે ક્રાઈમ બ્રાન્ચ અને કુખ્યાત દીપક નંદલ ગેંગના શાર્પશૂટર્સ વચ્ચે ભયાનક એન્કાઉન્ટર થયું છે, જેમાં ગેંગના 4 બદમાશો ઠાર મરાયા છે. આ ક્રોસ ફાયરિંગ દરમિયાન ગુરુગ્રામ પોલીસના 3 જવાનો પણ ગોળી વાગવાથી ઘાયલ થયા છે.
આ ભીષણ મુઠભેડ ગુરુગ્રામના પોશ ગણાતા સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં મોડી રાત્રે ઘટી હતી.એન્કાઉન્ટરનું કારણ વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર દીપક નંદલ વતી આ શૂટર્સ સુશાંત લોકમાં એક સ્થાનિક ઉદ્યોગપતિના ઘર પર આધુનિક હથિયારોથી અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા. આ ઉદ્યોગપતિ પાસે ગેંગ દ્વારા સતત ખંડણી માંગવામાં આવી રહી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમને કંટ્રોલ રૂમ દ્વારા શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી અંગે બાતમી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને જોઈને બદમાશોએ સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના જવાબમાં પોલીસે આત્મરક્ષાર્થે વળતો પ્રહાર કર્યો હતો.પરિણામે સામસામે થયેલા આ અંધાધૂંધ ગોળીબારમાં 4 શાર્પશૂટર્સ ઘટનાસ્થળે જ માર્યા ગયા છે, જ્યારે તેનો 1 સાથીદાર ગંભીર રીતે ઘાયલ થયો છે.
ગેંગ તરફથી થયેલા ફાયરિંગમાં 3 પોલીસ જવાનોને ગોળી વાગી છે. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ અધિકારીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
