તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ઉર્દૂ ગઝલના યુગનો અંત: પ્રખ્યાત કવિ ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે અવસાન, સંસદમાં ગુંજતી તેમની પંક્તિઓ આજે ફરી યાદ આવી રહી છે
સાહિત્યથી રાજકારણ સુધી: પીએમ મોદી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સંસદમાં થયેલી 'શેર-ઓ-શાયરી' ની એ ઐતિહાસિક ક્ષણોની ફરી ચર્ચા; ભુટ્ટો-ઇન્દિરા ગાંધીના સંવાદ સાથે પણ છે ઊંડું જોડાણ

નવી દિલ્હી : ઉર્દૂ સાહિત્ય જગત માટે આજનો દિવસ એક અપૂ્ર્ણ ક્ષતિ લઈને આવ્યો છે. પોતાના મધુર અવાજ અને સાદી ભાષામાં જીવનના ગહન ફિલસૂફીને વ્યક્ત કરનારા અદભૂત કવિ ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના અવસાનના સમાચાર સાથે જ દેશભરના સાહિત્ય પ્રેમીઓમાં શોકની લહેર ફરી વળી છે. બશીર બદ્ર માત્ર એક કવિ નહોતા, પણ તેઓ એવા શબ્દજાદુગર હતા કે જેમના શેર સંસદની કાર્યવાહીથી લઈને સામાન્ય માણસના ચાના કપ સુધી ગુંજતા રહ્યા છે.
જ્યારે સંસદમાં ગુંજ્યા બશીર બદ્રના શેર
બશીર બદ્રના નિધન બાદ દેશમાં 2018 ની એ ઘટનાની ફરી ચર્ચાઓ જાગી છે, જ્યારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કવિતા દ્વારા તીક્ષ્ણ શબ્દબાણો ચાલ્યા હતા. 6 ફેબ્રુઆરી, 2018 ના રોજ ખડગેએ સરકાર પર નિશાન સાધતા બશીર બદ્રનો શેર ટાંક્યો હતો: "દુશ્મની જમકર કરો, લેકિન યે ગુન્જાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાયેં તો શર્મિંદા ન હોં."
આના જવાબમાં બીજા જ દિવસે પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, ખડગેજીએ અડધી જ વાત કહી. તેમણે બશીર બદ્રનો બીજો શેર વાંચીને માહોલ ગરમ કરી દીધો: "સચ કહું તો ભી બગાવત હૈ મેરી ફિતરત મેં, યે જમાના ભી ક્યાં જમાના હૈ, મૈં ક્યા કરું?" પીએમના આ વળતા પ્રહારથી આખું ગૃહ હાસ્ય અને તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું.
ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી સાથેનું ઐતિહાસિક કનેક્શન
બશીર બદ્રની કવિતાઓની પહોંચ માત્ર ભારતીય સંસદ સુધી જ સીમિત નથી, તેનો ઇતિહાસ ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધો સાથે પણ જોડાયેલો છે. 1972 માં શિમલા કરાર વખતે જ્યારે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે મંત્રણા ચાલી રહી હતી અને વાતાવરણ અત્યંત તંગ હતું, ત્યારે ભુટ્ટોએ તણાવ ઘટાડવા માટે બશીર બદ્રના આ જ શેરનો ઉપયોગ કર્યો હતો.
એક કવિ જેણે ગઝલને લોકભોગ્ય બનાવી
15 ફેબ્રુઆરી, 1935 ના રોજ જન્મેલા સૈયદ મોહમ્મદ બશીર, જેઓ 'બશીર બદ્ર' તરીકે વિશ્વભરમાં ઓળખાયા, તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું અને મેરઠ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી. પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત બદ્ર સાહેબે હંમેશા સાદગીના માર્ગે ચાલીને સાહિત્યને લોકો સુધી પહોંચાડ્યું.
આજે ભલે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની રચનાઓ અમર છે. તેમની પંક્તિઓ હંમેશા ગુંજતી રહેશે: "તમારી યાદોનો પ્રકાશ અમારી સાથે રહેવા દો, કોણ જાણે કઈ ગલીમાં જીવનની સાંજ આવશે." સાહિત્ય જગતે આજે એક એવો તારો ગુમાવ્યો છે જેની ઉણપ ક્યારેય પૂરી નહીં થાય.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
