<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

રિકવરી એજન્ટોની દાદાગીરીનો અંત: ૧ ઓક્ટોબરથી બદલાશે નિયમો : ગ્રાહકોને હેરાન કર્યા તો બેંકોની ખેર નથી

આરબીઆઈએ લોન વસૂલાત પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવી: હવે માત્ર સર્ટિફાઇડ એજન્ટો જ કરી શકશે કોલ : સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધીની જ સમયમર્યાદા અને જો ફરિયાદ પેન્ડિંગ હશે તો ઘરે એજન્ટ મોકલવા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ

નવી દિલ્હી: લોન લીધા પછી બેંકો અને તેમના રિકવરી એજન્ટોના ત્રાસથી પરેશાન ગ્રાહકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા  એ ખૂબ જ રાહતના સમાચાર આપ્યા છે. આગામી ૧ ઓક્ટોબરથી દેશમાં લોન રિકવરીના નિયમોમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે, જેના હેઠળ હવે કોઈપણ એજન્ટ ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કે મનમાની કરી શકશે નહીં. નવા નિયમ મુજબ, બેંકો હવે માત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ (IIBF) માંથી ખાસ તાલીમ મેળવેલા પ્રમાણિત એજન્ટોને જ વસૂલાતની કામગીરી સોંપી શકશે. એટલું જ નહીં, બેંકે લોન લેનાર દેવાદારને પોતાની રિકવરી એજન્સી અને એજન્ટ વિશેની તમામ વિગતો અગાઉથી લેખિતમાં આપવી ફરજિયાત રહેશે.

નવી માર્ગદર્શિકા અનુસાર, એજન્ટો દ્વારા ગ્રાહકોને માનસિક ત્રાસ આપવાના કિસ્સાઓ અટકાવવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે રિકવરી માટેના કોલ માત્ર સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી જ કરી શકાશે અને ગ્રાહકની મંજૂરી વિના અસમયે ફોન કરવા પર કાનૂની રોક રહેશે. જો કોઈ એજન્ટને ગ્રાહકના ઘરે મોકલવાનો હશે, તો બેંકે ઓછામાં ઓછા એક દિવસ પહેલા ઈમેલ અથવા મેસેજ દ્વારા તેની જાણ કરવી પડશે અને ડિજિટલ સુવિધા ન ધરાવતા ગ્રાહકોને ત્રણ દિવસ અગાઉ પત્ર મોકલવો પડશે. આ તમામ વાતચીતના કોલ રેકોર્ડિંગ પણ રાખવામાં આવશે અને ગ્રાહકની મંજૂરી બાદ જ વાતચીત રેકોર્ડ કરી શકાશે, જેનો ડેટા છ મહિના સુધી સાચવવાનો રહેશે.

સૌથી મહત્વનો ફેરફાર ગ્રાહકોની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. જો કોઈ લોન લેનારે બેંકમાં લોન કે વ્યાજ સબંધી કોઈપણ સત્તાવાર ફરિયાદ નોંધાવી હશે, તો જ્યાં સુધી તે ફરિયાદનો આખરી ઉકેલ ન આવે ત્યાં સુધી બેંક કોઈપણ કર્મચારી કે એજન્ટને ગ્રાહકના ઘરે મોકલી શકશે નહીં. આ ઉપરાંત, વસૂલાત માટે ગ્રાહકોના અંગત ડિજિટલ ઉપકરણો જેવા કે મોબાઈલ કે ટેબ્લેટ પર કોઈ ટેકનોલોજીકલ દબાણ કરી શકાશે નહીં. જો મોબાઈલ ફોન તે ચોક્કસ બેંકની ક્રેડિટ પર ખરીદવામાં ન આવ્યો હોય, તો બેંક કોઈપણ સંજોગોમાં લોન વસૂલાત માટે ગ્રાહકના ફોનનો કબજો લઈ શકશે નહીં, જે ગ્રાહકોના પ્રાઈવસીના અધિકારને વધુ મજબૂત બનાવે છે.

(10:26 PM IST)