<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

લોકશાહીનો અંત: નિકારાગુઆમાં હવે ક્યારેય નહીં યોજાય ચૂંટણી; રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગાની ભયાનક જાહેરાત

વિપક્ષને સત્તામાં આવતા રોકવા માટે સર્વાધિકારવાદી નિર્ણય; દેશમાં પતિ-પત્નીની કૌટુંબિક સરમુખત્યારશાહી મજબૂત કરવાનો ખુલ્લો પ્રયાસ

માનાગુઆ : મધ્ય અમેરિકાના દેશ નિકારાગુઆમાં લોકશાહીના કફન પર આખરી ખીલો ઠોકી દેવામાં આવ્યો છે. દેશના ૮૦ વર્ષીય રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગાએ એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી છે કે નિકારાગુઆમાં હવે પછી ક્યારેય ચૂંટણીઓ યોજવામાં આવશે નહીં. વિરોધ પક્ષોને સત્તા પર પાછા ફરતા રોકવાના બહાના હેઠળ લેવાયેલા આ નિર્ણયે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે.
‘વિપક્ષને સરકાર કબજે કરવા નહીં દઈએ’
૧૯૭૯ની સેન્ડિનિસ્ટા ક્રાંતિની ૪૭મી વર્ષગાંઠ નિમિત્તે હજારો કર્મચારીઓની હાજરીમાં બોલતા ઓર્ટેગાએ જણાવ્યું હતું કે, "ભવિષ્યમાં દેશમાં કોઈ ચૂંટણી યોજાશે નહીં. જો ચૂંટણીઓ થશે તો વિરોધ પક્ષો તેનો ઉપયોગ સરકાર કબજે કરવા માટે કરશે."
તેમણે ઉમેર્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં નવા કાયદા લાવી રહી છે, જે વિપક્ષી નેતાઓ અને વિરોધીઓ સામે એક મજબૂત દીવાલનું કામ કરશે. ૨૦૦૭થી સતત સત્તા પર રહેલા ઓર્ટેગા છેલ્લા ૬૧ દિવસથી જાહેરજીવનમાંથી ગાયબ હતા અને તેમણે બહાર આવતાની સાથે જ આ સત્તાવાદી જાહેરાત કરી દીધી છે.
કૌટુંબિક સરમુખત્યારશાહીમાં ફેરવાયો દેશ
રાજકીય વિશ્લેષકોના મતે, આ જાહેરાતથી નિકારાગુઆમાં બચેલી-ખુચેલી લોકશાહીનો પણ સત્તાવાર અંત આવી ગયો છે. ડેનિયલ ઓર્ટેગા અને તેમની પત્ની રોઝારિયો મુરિલો (જે હાલમાં 'સહ-રાષ્ટ્રપતિ' છે) એ મળીને દેશને સંપૂર્ણપણે એક કૌટુંબિક સરમુખત્યારશાહી (Family Dictatorship) માં ફેરવી દીધો છે.
•    વિપક્ષ પર અત્યાચાર: ૨૦૨૧ ની ચૂંટણી પહેલા જ તમામ મુખ્ય વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવાયા હતા.
•    સંસ્થાઓ પર તાળાં: સરકારે અત્યાર સુધીમાં ૫,૬૦૦ થી વધુ NGOs, ૨૯ યુનિવર્સિટીઓ અને ૫૮ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા આઉટલેટ્સ બંધ કરી દીધા છે.
•    નાગરિકતા છીનવાઈ: ૫૪૬ થી વધુ વિરોધીઓની નાગરિકતા છીનવી લેવામાં આવી છે.
યુએન અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ભારે ટીકા
ઓર્ટેગા સરકારના આ આક્રમક પગલાંની સંયુક્ત રાષ્ટ્ર (UN), અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો દ્વારા સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. ૨૦૧૮ ના વિરોધ પ્રદર્શનો દરમિયાન સરકાર દ્વારા કરાયેલી હિંસક કાર્યવાહીમાં ૩૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને લાખો લોકોને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. તાજેતરમાં જ જેલમાં બંધ સ્વદેશી નેતા બ્રુકલિન રિવેરાના મૃત્યુ બાદ ઓર્ટેગા અને મુરિલો પર વૈશ્વિક દબાણ સતત વધી રહ્યું છે.

(6:18 PM IST)