તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા ફેમા કાયદા હેઠળ રિલાયન્સ પાવર લિમિટેડની રૂ. ૨,૦૩૨.૮૧ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી
સેબીની માહિતીના આધારે હાથ ધરાયેલી તપાસમાં વિદેશી રોકાણો અને બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સ તથા કેમેન આઈલેન્ડ્સની કંપનીઓમાં ફંડ ડાયવર્ટ કરવાના ગોરખધંધાનો પર્દાફાશ : રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપ સામે કડક કાર્યવાહી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) ના હેડક્વાર્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ (FEMA), ૧૯૯૯ ની કલમ ૩૭-એ હેઠળ રિલાયન્સ પાવર લિમિટેડ (RPL) ની કુલ રૂ. ૨,૦૩૨.૮૧ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલ આ સંપત્તિઓમાં રિલાયન્સ પાવર લિમિટેડનું બેંક બેલેન્સ અને સાસન પાવર લિમિટેડમાં રહેલા શેરહોલ્ડિંગનો સમાવેશ થાય છે. આ જપ્ત કરાયેલી અસ્કયામતો ફેમાની કલમ ૪ નું ઉલ્લંઘન કરીને ભારત બહાર રાખવામાં આવેલી વિદેશી મુદ્રાની સમકક્ષ મૂલ્ય ધરાવે છે.
તપાસનો પ્રારંભ અને શંકાસ્પદ રાઇટ-ઓફ્સ:
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આ સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી હતી. રિલાયન્સ પાવર લિમિટેડ દ્વારા તેના હિસાબોમાં બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સ (BVI) અને કેમેન આઈલેન્ડ્સની કંપનીઓમાં કરવામાં આવેલા વિદેશી રોકાણો અને એડવાન્સિસ સંબંધિત કુલ રૂ. ૨,૧૦૧.૪૬ કરોડના રાઇટ-ઓફ્સ અને પ્રોવિઝન્સ દર્શાવવામાં આવ્યા હતા, જેની ગંભીર નોંધ લેવાઈ હતી. આ સંદર્ભે ફેમા કાયદા હેઠળ ગત ૦૬.૦૩.૨૦૨૬ થી ૦૮.૦૩.૨૦૨૬ દરમિયાન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા, જેમાં અનેક વાંધાજનક પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
વિદેશી બોન્ડ્સ મારફતે ભંડોળ એકત્ર કરવાની અને ફેરબદલ કરવાની પદ્ધતિ:
તપાસમાં ખુલાસો થયો છે કે રિલાયન્સ નેચરલ રિસોર્સિસ લિમિટેડ (ત્યારબાદ RPL માં વિલીનીકરણ પામેલી) દ્વારા ૨૦૦૬ માં ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ (FCCB) દ્વારા ૩૦૦ મિલિયન યુએસ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. તેમાંથી ૨૭૫ મિલિયન યુએસ ડોલર તેની સંપૂર્ણ માલિકીની સિંગાપોરની સબસીડિયરી કંપની - રિલાયન્સ નેચરલ રિસોર્સિસ (સિંગાપોર) પ્રાઇવેટ લિમિટેડ (RNRL-S) માં રોકવામાં આવ્યા હતા.
RNRL-S દ્વારા આ ભંડોળ જીિવા સ્થિત ડોઇશ બેંક (સ્યુસ) એસએ માં ડિપોઝિટ તરીકે મૂકવામાં આવ્યું હતું. આ ડિપોઝિટ્સનો ઉપયોગ બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સમાં નોંધાયેલી કંપનીઓને આપવામાં આવેલી લોન માટે કોલેટરલ (ગીરો) તરીકે કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ BVI એન્ટિટીઝનું સંચાલન અને નિયંત્રણ ભારતમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપ (RAAG) દ્વારા ડમી વ્યક્તિઓ (ફ્રન્ટ પર્સન્સ) મારફતે ગ્રૂપની સૂચના મુજબ કરવામાં આવતું હતું.
ફંડ્સની ગોલમાલ અને દસ્તાવેજોની હેરાફેરી:
વધુ તપાસમાં બહાર આવ્યું છે કે આ લોનની રકમનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરવામાં આવ્યો હતો, જેમાં મોરિશિયસ આધારિત વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં ભંડોળની અસ્થાયી રૂટ-ટ્રિપિંગ (ફરીથી ભારત લાવવા) પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. આ ભંડોળનો ઉપયોગ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપના ફાયદા માટે કરવામાં આવ્યો હતો અને તેને ભારત બહાર પાર્ક કરવામાં આવ્યું હતું.
ડોઇશ બેંક દ્વારા આપવામાં આવેલી આ લોનની ચુકવણી કરવામાં BVI એન્ટિટીઝ નિષ્ફળ રહી હતી. આ બાબત પર પડદો પાડવા માટે બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે RNRL-S અને RPL ની ઇન્ડોનેશિયન સબસીડિયરી કંપનીઓ દ્વારા દેખીતી રીતે વાજબી વ્યવસાયિક હેતુઓ માટે આ BVI એન્ટિટીઝને એડવાન્સ ચૂકવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એવું પણ જણાયું હતું કે આ દસ્તાવેજો સાથે ચેડાં કરીને પાછલી તારીખના (backdated) બનાવવામાં આવ્યા હતા જેથી આ વ્યવહારો અસલી વ્યવસાયિક વ્યવહારો હોવાનું પ્રતીત થાય.
આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા આગળની સઘન તપાસ હાલમાં ચાલુ છે.

(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
