<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ભારતીય નૌકાદળની તાકાતમાં પ્રચંડ વધારો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી બનાવટના 'દુનાગિરી', 'સંશોધક' અને 'અગ્રય' યુદ્ધજહાજો દેશને સમર્પિત કર્યા

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંપૂર્ણ દેશી ટેકનોલોજીથી બનેલા ત્રણેય અત્યાધુનિક વોરશિપ્સ દરિયાઈ સરહદોની સુરક્ષા કાજે નૌસેનાના કાફલામાં સામેલ

નવી દિલ્હી:ભારતની દરિયાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે આજે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં જ સંપૂર્ણ સસ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા ત્રણ અત્યાધુનિક યુદ્ધજહાજો- 'દુનાગિરી', 'સંશોધક' અને 'અગ્રય' ને વિધિવત રીતે ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ (કમિશન) કર્યા છે. આ ત્રણેય નવા વોરશિપ્સના આગમનથી હિંદ મહાસાગર અને ભારતીય દરિયાઈ સરહદો પર દેશની સૈન્ય શક્તિ સબળ બનશે.

આ ભવ્ય કમિશનિંગ કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલી વિગતો મુજબ, આ ત્રણેય યુદ્ધજહાજો ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' વિઝનનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ જહાજોની ડિઝાઇનથી લઈને તેના નિર્માણમાં વપરાયેલું મોટાભાગનું મટીરિયલ અને ઘાતક હથિયારો સંપૂર્ણપણે ભારતીય કંપનીઓ અને નૌસેનાના એન્જિનિયરો દ્વારા સ્વદેશી સ્તરે જ વિકસાવવામાં આવ્યા છે, જે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની સ્વનિર્ભરતા દર્શાવે છે.

આ ત્રણેય જહાજો પોતાની અલગ-અલગ વિશેષતાઓ ધરાવે છે. 'દુનાગિરી' અત્યાધુનિક મિસાઇલો અને રડાર સિસ્ટમથી સજ્જ એક શક્તિશાળી સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે દુશ્મનની નજરમાં આવ્યા વિના હુમલો કરવા સક્ષમ છે. જ્યારે 'સંશોધક' એ વિશાળ હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે જે સમુદ્રની અંદર દુશ્મનની હિલચાલ અને સબમરીન પર નજર રાખવામાં નૌસેનાને મદદ કરશે. તેમજ 'અગ્રય' એ કટોકટીના સમયે ઝડપી આક્રમણ અને એન્ટી-સબમરીન વોરફેર કામગીરી માટે અતિ ઉપયોગી નૌકા છે.

નૌકાદળના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્તમાન વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના પડકારોને જોતા આ સ્વદેશી યુદ્ધજહાજોનો સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અવસરે દેશના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને શિપબિલ્ડર્સની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક જહાજો માત્ર દેશની રક્ષા જ નહીં કરે, પરંતુ વૈશ્વિક સ્તરે જહાજ નિર્માણના ક્ષેત્રમાં ભારતની વધતી ક્ષમતાનો મજબૂત પરિચય પણ આપશે.

(11:17 AM IST)