તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ટ્રેન આવતાં જ સેકન્ડોમાં ગાયબ થઈ જાય છે આખું માર્કેટ! થાઈલેન્ડનું અનોખું 'અમ્બ્રેલા માર્કેટ', જ્યાં રેલવે ટ્રેક પર જ સજે છે શાકભાજીની દુકાનો
બેંગકોક નજીક આવેલું મેકલોંગ રેલવે માર્કેટ વિશ્વભરના સહેલાણીઓ માટે બન્યું રોમાંચક આકર્ષણનું કેન્દ્ર; દિવસમાં ૮ વખત ટ્રેન પસાર થતાં જ સર્જાય છે અદ્ભુત દ્રશ્યો

બેંગકોક, તા.૧૪: શું તમે ક્યારેય એવા માર્કેટ વિશે સાંભળ્યું છે જ્યાં ટ્રેનની સીટી વાગતાં જ દુકાનદારો પોતાની છત્રીઓ અને સામાન સેકન્ડોમાં પાછળ ખેંચી લે છે અને ટ્રેન પસાર થતાં જ ફરી બજાર ધમધમવા લાગે છે? થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી લગભગ ૮૦ કિલોમીટર દૂર સમુત સોંગખ્રામ પ્રાંતમાં આવેલું 'મેકલોંગ રેલવે માર્કેટ' (Maeklong Railway Market) વિશ્વનું સૌથી અનોખું અને સાહસિક બજાર માનવામાં આવે છે. સ્થાનિક ભાષામાં આ બજારને "તલાટ રોમ હુપ" કહેવામાં આવે છે, જેનો અર્થ 'છત્રી સમેટી લેવાનું બજાર' થાય છે.
ટ્રેક પર જ સજે છે બજાર, દિવસમાં ૮ વખત થાય છે આ જાદુ
આ બજાર સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી સક્રિય રહે છે, જ્યાં તાજા શાકભાજી, ફળો, માંસ અને સીફૂડ વેચાય છે. વેપારીઓ પાટાની બિલકુલ અડીને જ પોતાની દુકાનો અને છત્રીઓ લગાવે છે. થાઈલેન્ડ ટુરિઝમ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ રેલવે રૂટ પરથી દિવસમાં આઠ વખત ટ્રેન પસાર થાય છે (મહાચાઈથી મેકલોંગ વચ્ચે ચાર વખત આવવા અને ચાર વખત જવા માટે). ટ્રેન આવવાનો સમય થાય એટલે એક ખાસ સાયરન વાગે છે અને જોતજોતામાં તમામ વેપારીઓ પોતાની છત્રીઓ ફોલ્ડ કરી લે છે અને શાકભાજીની ટોપલીઓ થોડા ઇંચ પાછળ ખસેડી લે છે.
ડર નહીં પણ અદ્ભુત સાહસ અને રોમાંચ
પહેલી નજરે આ દ્રશ્ય જોઈને કોઈને પણ મોટી દુર્ઘટનાનો ડર લાગે, પરંતુ આ ટ્રેક પર ટ્રેનની ઝડપ ખૂબ જ ધીમી રાખવામાં આવે છે. ટ્રેન એ રીતે પસાર થાય છે કે તેના પૈડાં વેપારીઓના સામાનથી માત્ર થોડા જ ઇંચ દૂર હોય છે. ટ્રેન પસાર થઈ ગયાની બીજી જ સેકન્ડે છત્રીઓ ફરી ખીલી ઉઠે છે અને ખરીદી પૂર્વવત શરૂ થઈ જાય છે! આજે આ બજાર શાકભાજી ખરીદનારાઓ કરતાં વધુ આ રોમાંચક દ્રશ્ય કેમેરામાં કેદ કરવા આવતા વિદેશી પ્રવાસીઓથી ઉભરાય છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
