<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અમેરિકાના ૨૪૨ શહેરોમાં એન્‍ટ્રી લેવલના મકાનોની કિંમત ૧ મિલિયન ડોલર!

૨૦૨૦માં આ કેટેગરીમાં આવતા શહેરોની સંખ્‍યા માંડ ૮૦ જેટલી હતી જેમાં છ વર્ષમાં ત્રણ ગણો વધારો થયો : આ ૨૪૨ શહેરોમાં ૧૦૫ સિટી તો કેલિફોર્નિયાના છેઃ હાઉસિંગ શોર્ટેજને કારણે મોટા શહેરોમાં મકાનના ભાવ ખરેખર હજુય ઉંચા

ન્‍યુયોર્ક,તા.૨૨: યુએસમાં કોવિડ વખતે મકાનોના ભાવમાં જે અણધાર્યો ઉછાળો આવ્‍યો હતો તેમાં છેલ્‍લા ત્રણેક વર્ષમાં સારું એવું કરેક્‍શન જોવા મળ્‍યું છે પણ તેમ છતાંય ફર્સ્‍ટ ટાઈમ હોમ બાયર્સ માટે પ્રોપર્ટી ખરીદવું વધારેને વધારે મુશ્‍કેલ થઈ રહ્યું છે. અમેરિકાની રિયલ એસ્‍ટેટ કંપની ઝીલોએ રિલીઝ કરેલા એક લેટેસ્‍ટ રિપોર્ટ અનુસાર દેશના ૨૪૨ શહેરોમાં હવે એન્‍ટ્રી લેવલના મકાનોની એવરેજ કિમત પણ હવે એક મિલિયન ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. ૨૦૨૦માં અમેરિકામાં ૮૦ શહેરોમાં એન્‍ટ્રી લેવલના મકાનો ૧ મિલિયન ડોલરમાં મળતા હતા, પણ છ વર્ષમાં આવા શહેરોની સંખ્‍યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે જે દર્શાવે છે કે હાઉસિગ શોર્ટેજને કારણે મોટા શહેરોમાં મકાનના ભાવ ખરેખર હજુય ઉંચા જ છે.

મહત્‍વની વાત એ છે કે આ ૨૪૨ શહેરોમાં ૧૦૫ સિટી તો કેલિફોર્નિયાના છે. જોકે, હવે એક મિલિયન ડોલરના એન્‍ટ્રી લેવલના મકાનોનો ટ્રેન્‍ડ વેસ્‍ટ કોસ્‍ટ સિવાયના વિસ્‍તારોમાં પણ પ્રસરી રહ્યો છે જેમાં ન્‍યૂયોર્ક અને ન્‍યૂજર્સી આ કેટેગરીમાં સૌથી ફાસ્‍ટેસ્‍ટ-ગ્રોઈંગ વિસ્‍તારોમાં આવી ગયા છે. આ સિવાય જે સ્‍ટેટ્‍સને અફોર્ટેબલ માનવામાં આવે છે ત્‍યાં પણ મકાન ખરીદવું વધુને વધુ મુશ્‍કેલ થઈ રહ્યું છે. ઝીલોએ સ્‍ટાર્ટર હોમ અથવા તો એન્‍ટ્રી લેવલના મકાનોની ની જે વ્‍યાખ્‍યા કરી છે તે તેની સાઈઝ કે પછી તેમાં કેટલા બેડરૂમ છે તેના આધારે નક્કી નથી કરાઈ, તેના બદલે દરેક લોકલ હાઉસિગ માર્કેટમાં મકાનોની સૌથી વધુ અને સૌથી ઓછી કિમત ધ્‍યાનમાં રાખી સૌથી નીચી કિમત ધરાવતા મકાનોની કિમતની એવરેજને સ્‍ટાર્ટર હોમ તરીકે ડિફાઈન કરવામાં આવી છે.

ઝીલોના સિનિયર ઈકોનોમિસ્‍ટ ઓર્ફી ડિવંગાયનું માનવું છે કે મકાનોની કિમત વધવા માટે તેના સપ્‍લાયમાં આવેલી કમી મુખ્‍યત્‍વે જવાબદાર છે. ઘ્‍ગ્‍લ્‍ ન્‍યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્‍યું હતું કે જ્‍યારે સપ્‍લાય ઓછો થઈ જાય છે ત્‍યારે દરેક સેગમેન્‍ટના મકાનોના ભાવ વધે છે અને એન્‍ટ્રી લેવલ હાઉસિગ પણ તેમાંથી બાકાત નથી રહી શકતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે છેલ્‍લા એકાદ દાયકાથી નવા મકાનોનું કન્‍સ્‍ટ્રક્‍શન ઘટી ગયું છે, અને તેમાંય કોવિડ પેન્‍ડેમિક વખતે મોર્ગેજ રેટ્‍સ ઘણા નીચે હોવાથી મકાનોની ડિમાન્‍ડમાં જેટલો વધારો થયો હતો તેની સામે તેનો સપ્‍લાય ઘણો મર્યાદિત રહ્યો હોવાથી કિમતોમાં મોટો ઉછાળો નોંધાયો હતો. જોકે, આ દરમિયાન ટેક્‍સસ જેવા સ્‍ટેટમાં કન્‍સ્‍ટ્રક્‍શન એક્‍ટિવિટી વધવાથી મકાનોના ભાવ પર તેની અસર જોવા મળી હતી તો બીજી તરફ નોર્થઈસ્‍ટ અને વેસ્‍ટ કોસ્‍ટમાં કેટલાક રિસ્‍ટ્રિક્‍શન્‍સને કારણે કન્‍સ્‍ટ્રક્‍શન મર્યાદિત રહ્યું હોવાથી હાઉસિગ સપ્‍લાય પણ લિમિટેડ રહ્યો છે જેના કારણે અમુક શહેરોમાં મકાનોના ભાવ વધ્‍યા છે.

આ જ રિપોર્ટમાં બીજી એક મહત્‍વની એ વાતનો ખાસ ઉલ્‍લેખ કરાયો છે કે ભલે ૨૪૨ શહેરોમાં એન્‍ટ્રી લેવલના મકાનોના ભાવ એક મિલિયનની આસપાસ ચાલી રહ્યા હોય પરંતુ નેશનલ એવરેજ તેની સરખામણીએ ખાસ્‍સી ઓછી છે. ઝીલોનું કહેવું છે કે સમગ્ર અમેરિકામાં એન્‍ટ્રી લેવલના મકાનોની એવરેજ પ્રાઈસ બે લાખ ડોલરની આપસાસ છે જેમાં ટેક્‍સ અને ઈન્‍શ્‍યોરન્‍સ સહિતના ખર્ચા પણ આવી જાય છે પરંતુ લોકેશન પ્રમાણે આ કોસ્‍ટમાં ખાસ્‍સી વધઘટ થતી રહે છે. જેમકે, કેલિફોર્નિયાના સેન હોઝેમાં એન્‍ટ્રી લેવલનું મકાન ખરીદવા ઓછામાં ઓછા એક મિલિયન ડોલર ખર્ચવા પડે છે જેના માટે મહિને પાંચેક હજાર ડોલરનું પેમેન્‍ટ કરવું પડે, જ્‍યારે તેની સરખામણીએ બર્મિગહામ મેટ્રોપોલિટન એરિયામાં આ જ ખર્ચો ૬૧૦ ડોલર જેટલો થાય છે.

અમેરિકાના નોર્થઈસ્‍ટમાં મકાનોના ભાવ સૌથી વધારે છે જેમાં ન્‍યૂયોર્ક સિટીની આસપાસની કાઉન્‍ટી ટોપ પર આવે છે, ન્‍યૂજર્સી પણ તેમાં જરાય પાછળ નથી. એક્‍સપર્ટ્‍સનું માનીએ તો આ વિસ્‍તારોમાં પહેલાથી જ હાઉસિગ કન્‍સ્‍ટ્રક્‍શન ઓછું રહ્યું હોવાથી સપ્‍લાય લિમિટેડ રહે છે જેથી શોર્ટેજને કારણે કિમતો હંમેશા ઉંચી હોય છે. જોકે, હવે જે ટ્રેન્‍ડ જોવા મળી રહ્યો છે તે અનુસાર મિલિયન ડોલર સ્‍ટાર્ટર હોમ્‍સ માત્ર કોસ્‍ટલ સ્‍ટેટ્‍સ પૂરતા મર્યાદિત નથી રહ્યા.

જેમકે, ૨૦૨૦માં ટેક્‍સસનું એકેય શહેર આ કેટેગરીમાં નહોતું આવતું પરંતુ આજે ટેક્‍સસના સાત શહેરોમાં એન્‍ટ્રી લેવલના મકાનોની કિમત એકાદ મિલિયન જેટલી બોલાય છે. કોવિડ પેન્‍ડેમિક દરમિયાન જે માઈગ્રેશન જોવા મળ્‍યું હતું તેને કારણે પણ હાઉસિગની ડિમાન્‍ડ વધી હતી. રિમોટ વર્ક કલ્‍ચરને કારણે લોકો જે સ્‍ટેટ્‍સ અફોર્ડેબલ ગણાતા હતા ત્‍યાં મકાન લેવા માડ્‍યા હતા જેથી ત્‍યાં મકાનો મોંઘા થઈ ગયા હતા. જોકે, સ્‍થિતિ સામાન્‍ય બની ત્‍યારે કેલિફોર્નિયા ઉપરાંત ટેક્‍સસ અને ફલોરિડામાં મકાનોના ભાવમાં સારું એવું કરેક્‍શન જોવા મળ્‍યું હતું. જોકે, આ કરેક્‍શન બાદ પણ મકાનો હજુય મોંઘા તો છે જ.

(2:37 PM IST)