તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
પર્યાવરણવાદી સોનમ વાંગચુકના ઉપવાસનો ૧૭મો દિવસ : 'સરકારને કોઈ પરવા નથી' કહીને મહુવા મોઇત્રા, ઉદ્ધવ ઠાકરે અને અભિજીત દીપકેએ અન્નત્યાગ આંદોલન સમેટી લેવા આજીજી કરી
કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનો ૨૫મો દિવસ, સોનમ વાંગચુકનું ૮.૫ કિલો વજન ઘટતાં અને સ્નાયુઓ ગળવા લાગતાં તબિયત લથડી: ૨૦મી જુલાઈએ સંસદ માર્ચની જાહેરાત

નવી દિલ્હી: દેશના જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકના અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનનો આજે ૧૭મો દિવસ પૂર્ણ થયો છે, ત્યારે તેમની સતત કથળતી જતી તબિયતને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ દ્વારા ઉપવાસ પાછા ખેંચવા માટેની અપીલો દિનપ્રતિદિન વેગવંતી બની રહી છે. બીજી તરફ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનો આજે ૨૫મો દિવસ છે. CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, તેઓ ભારે પીડાનો સામનો કરી રહ્યા છે અને તેમના શરીરના સ્નાયુઓનું માસ ઘટવા લાગ્યું છે.
સોનમ વાંગચુકનું ૮.૫ કિલો વજન ઘટ્યું, તબિયત નાજુક બનતા નેતાઓની ચિંતા:
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, સોનમ વાંગચુકનું વજન અત્યાર સુધીમાં ૮.૫ કિલો જેટલું ઘટી ગયું છે અને તેમનું બ્લડ પ્રેશર ૧૦૯/૭૦ mm Hg નોંધાયું છે. આ પૂર્વે ૧૬મા દિવસે તેમનું બ્લડ પ્રેશર ૧૦૭/૭૦, બ્લડ ગ્લુકોઝ લેવલ ૬૭ અને વજન ૮.૨ કિલો ઓછું થયું હતું. અભિજીત દીપકેએ સોનમ વાંગચુક સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારે તેમણે ઉપવાસ છોડવા માટે વિનંતી કરી, ત્યારે સોનમ વાંગચુકે શાંતિથી જવાબ આપ્યો હતો કે, "મને ઉપવાસ છોડવાનું ન કહો, પરંતુ સરકારને પૂછો કે તેઓ કેમ હજુ સુધી કોઈ સંવાદ સાધવા તૈયાર નથી." CJPના સ્થાપકે સરકારને આ આંદોલનને અહમની લડાઈ ન બનાવવા અને માનવીય જિંદગીની કિંમત સમજીને જવાબદારીપૂર્વક ભૂલો સુધારવા વિનંતી કરી છે.
વિપક્ષી નેતાઓ અને વિવિધ પક્ષોનું આંદોલનને સમર્થન:
સોનમ વાંગચુક અને CJPના આ આંદોલનને દેશના સમગ્ર રાજકીય ફલક પરથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુવા મોઇત્રાએ સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવા આગ્રહ કરતાં જણાવ્યું કે, "તમારા ઉપવાસે દેશના યુવાનોને ન્યાયની લડાઈ માટે એકજૂથ કર્યા છે, તમારો ઉદ્દેશ્ય સફળ રહ્યો છે. સરકારને તમારા કે દેશના કરોડો યુવાનોના જીવની કોઈ પરવા નથી, પરંતુ તમારું જીવન અમારા માટે કિંમતી છે, તેથી ઉપવાસ છોડીને લડત ચાલુ રાખો."
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ એક્સ પર પોસ્ટ કરીને શિવસેના વતી સોનમ વાંગચુક અને અભિજીત દીપકેના આંદોલનને સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે અને સાથે જ ઉપવાસ પાછા ખેંચવા અપીલ કરી છે. આ ઉપરાંત, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના એક પ્રતિનિધિમંડળે વિરોધ સ્થળની મુલાકાત લઈને એકતા દર્શાવી હતી. CPI(M) ના સાંસદ અમરા રામ સહિત આંધ્રપ્રદેશ અને રાજસ્થાનના વરિષ્ઠ કમ્યુનિસ્ટ નેતાઓએ પણ પ્રદર્શન સ્થળે પહોંચીને માંગણીઓને ટેકો આપ્યો છે.
પરીક્ષાની ગેરરીતિઓ બદલ રાજીનામાની અને વળતરની માંગ સાથે ૨૦મી જુલાઈએ સંસદ કૂચ:
અત્રે ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટીએ ૨૦મી જૂનથી પોતાના આંદોલનની શરૂઆત કરી હતી, જેમાં ૨૮મી જૂનથી સોનમ વાંગચુક જોડાયા હતા અને ત્યારથી તેઓ અન્નત્યાગ પર ઉતરેલા છે. આ સંગઠન દ્વારા દેશમાં પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને રૂ. ૧ કરોડનું વળતર આપવાની અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આગામી ૨૦મી જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ જંતર-મંતરથી સંસદ ભવન સુધી શાંતિપૂર્ણ કૂચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેને હાજર રહેલા તમામ વિપક્ષી નેતાઓએ સમર્થન આપ્યું છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
