News of Thursday, 19th November 2026
EPFO: પેન્શન રૂપિયા ૧૦૦૦થી વધીને ૩૦૦૦ થવાની શક્યતા..
વાર્ષિક ૨૪,૦૦૦ રૂપિયાનો વધારો થઇ શકેઃ વર્ષ ૨૦૧૪ થી પેન્શનની રકમમાં વધારો કરવામાં નથી આવ્યો

નવી દિલ્હી,તા.૧૯: દેશના લાખો EPFO પેન્શનધારકો માટે સારા સમાચાર આવી શકે છે. જેમાં EPFO ની યોજનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં પેન્શનમાં વધારો પર નિર્ણય લેવામાં આવી શકે છે. જેના પગલે હાલ મળતા લધુત્તમ પેન્શન રૂપિયા ૧૦૦૦ થી વધીને રૂપિયા ૩૦૦૦ થઇ શકે છે.
જેમાં હાલમાં EPS હેઠળ પેન્શનરોને દર મહિને ૧,૦૦૦ રૂપિયાનું લઘુત્તમ પેન્શન મળે છે તેને વધારીને રૂ.૩,૦૦૦ કરવાનો પ્રસ્તાવ છે. જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો લઘુત્તમ પેન્શન મેળવતા લોકોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જેના પગલે પેન્શન ધારકોની આવકમાં વાર્ષિક ૨૪,૦૦૦ રૂપિયાનો વધારો થઇ શકે છે.
આ ઉપરાંત મહત્વનું છે કે, EPS હેઠળ લઘુત્તમ પેન્શન વધારીને રૂ. ૧૦૦૦ કરવાની દરખાસ્ત ફેબ્રુઆરી ૨૦૧૪માં મંજૂર કરવામાં આવી હતી. તેની બાદ કેન્દ્રીય બજેટ ૨૦૧૪-૨૦૧૫માં તેની જાહેરાત કરવામાં આવી હતી અને ઓગસ્ટ ૨૦૧૪માં સરકાર દ્વારા તેની સૂચના આપવામાં આવી હતી. આ સિસ્ટમ સપ્ટેમ્બર ૨૦૧૪થી અમલમાં આવી હતી.
એટલે કે વર્ષ ૨૦૧૪થી લઘુત્તમ પેન્શનની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેન્શનરો અને કર્મચારી સંગઠનો લાંબા સમયથી આ વધારાની માંગ કરી રહ્યા છે. ઘણી સંસ્થાઓ લઘુત્તમ પેન્શન વધારીને ૭૫૦૦ રૂપિયા પ્રતિ માસ કરવાની અને મોંઘવારી ભથ્થું (DA) આપવાની પણ માંગ કરી રહી છે.
EPFO એ સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી
જોકે, EPFO એ સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. જેમાં સભ્યોને વોટ્સએપ દ્વારા પણ પીએફ સંબંધિત માહિતી મેળવવાની સુવિધા પૂરી પાડી છે. આ સુવિધા દ્વારા કર્મચારીઓ તેમના પીએફ બેલેન્સને ચેક કરી શકે છે. આ સિવાય ખાતામાં થયેલા છેલ્લા પાંચ વ્યવહારો અને ઇપીએફ પાસબુક ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
