News of Monday, 21st September 2026
EPFO નો મોટો નિર્ણય: પીએફ પગાર મર્યાદા રૂ. ૧૫,૦૦૦ થી વધીને રૂ. ૨૫,૦૦૦ થઈ, ૫૧ લાખ કર્મચારીઓના ટેક-હોમ સેલરી અને પેન્શન પર સીધી અસર
કેન્દ્ર સરકારના નિર્ણયથી પ્રાઇવેટ અને સરકારી ક્ષેત્રના કર્મચારીઓના ભવિષ્ય ભંડોળમાં મોટો ઉછાળો આવશે: જાણો ઇન-હેન્ડ પગાર અને નિવૃત્તિ ભંડોળ પર શું થશે અસર

નવી દિલ્હી, તા.૨૧: સરકારી કે પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે EPFO ના ફરજિયાત કવરેજ હેઠળ આવતી માસિક પગાર મર્યાદાને રૂ. ૧૫,૦૦૦ થી વધારીને રૂ. ૨૫,૦૦૦ કરી દીધી છે. આ નવો નિયમ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી દેશભરમાં લાગુ થઈ ગયો છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી દેશના આશરે ૫૧ લાખથી વધુ કર્મચારીઓ સીધા પીએફ કવરેજના દાયરામાં આવી જશે.
આ મહત્વપૂર્ણ ફેરફાર માત્ર કર્મચારીઓના પી.એફ. ખાતામાં જમા થતી રકમ સુધી મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અસર કર્મચારી પેન્શન યોજના (EPS) અને EDLI વીમા યોજના હેઠળ મળતા લાભો પર પણ પડશે. જાકે, દરેક કર્મચારીની ટેક-હોમ સેલરી (હાથમાં આવતો ચોખ્ખો પગાર) અને પેન્શન પર તેની અસર એકસરખી રહેશે નહીં. તે કર્મચારીના વર્તમાન બેઝિક પગાર અને પીએફ યોગદાનના માળખા પર નિર્ભર રહેશે. રૂ. ૧૫,૦૦૦ થી વધુ પણ રૂ. ૨૫,૦૦૦ સુધીનો પીએફ પગાર ધરાવતા કર્મચારીઓ હવે આપોઆપ પીએફ કવરેજ હેઠળ આવી જશે.
રૂ. ૨૫,૦૦૦ થી વધુ પગાર ધરાવનારા માટે સ્વૈચ્છિક વિકલ્પ
નવા નિયમો મુજબ, જે કર્મચારીઓનો પીએફ નોકરી શરૂ કરતી વખતે રૂ. ૨૫,૦૦૦ થી વધુ હોય અને તેઓ પહેલાથી જ EPFO ના સભ્ય ન હોય, તેમના માટે EPF માં જોડાવું ફરજિયાત રહેશે નહીં. આવા કર્મચારીઓ પોતાની ઈચ્છા મુજબ પીએફ યોજનામાં જોડાઈ શકશે. જ્યારે બીજી તરફ, રૂ. ૨૫,૦૦૦ સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓનો પીએફ કપાત વધવાથી દર મહિને હાથમાં આવતો પગાર થોડો ઘટી શકે છે, પરંતુ નિવૃત્તિ સમયે મળતું પેન્શન અને જમા થનારું પીએફ ભંડોળ નોંધપાત્ર રીતે વધી જશે, જે કર્મચારીઓની સામાજિક સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
