તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
9/11 ના આતંકી હુમલાના ૨૫ વર્ષ બાદ અમેરિકામાં બદલાયા સમીકરણો: મુસ્લિમ વસ્તીમાં મજબૂત વધારો, મસ્જિદોની સંખ્યા ડબલ કરતાં વધી
નફરત, શંકા અને ભેદભાવના લાંબા સંઘર્ષ બાદ ન્યૂ યોર્કના સામાજિક અને રાજકીય માળખામાં મુસ્લિમ સમુદાયે બનાવી મજબૂત પકડ; હવે ૧૦૦ થી વધુ નવી મસ્જિદો અને મુસ્લિમ મેયર સાથે નવો યુગ

ન્યૂ યોર્ક, તા. ૦૯: વર્ષ ૨૦૦૧માં થયેલા ભયાનક ૯/૧૧ આતંકવાદી હુમલાના ૨૫ વર્ષ બાદ અમેરિકામાં મુસ્લિમ સમુદાય સ્થિતિમાં એક મોટો અને ક્રાંતિકારી બદલાવ જોવા મળી રહ્યો છે. આશરે ૩,૦૦૦ લોકોના ભોગ લેનાર તે કાળા દિવસ બાદ સમગ્ર અમેરિકામાં મુસ્લિમો સામે ડર, આક્રોશ અને વંશીય ભેદભાવનો માહોલ સર્જાયો હતો. પરંતુ આજે પચ્ચીસ વર્ષ બાદ ન્યૂ યોર્ક જેવા ધમધમતા મહાનગરમાં મુસ્લિમ સમુદાય માત્ર આત્મનિર્ભર જ નથી બન્યો, પરંતુ શહેરની સંસ્કૃતિ અને રાજકારણમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે.
સર્વેલન્સ અને નફરતના વાદળો વચ્ચે આત્મસન્માનની લડાઈ:
હુમલા બાદ અમેરિકી તંત્ર દ્વારા મુસ્લિમ યુવકો અને પરિવારો પર કડક નજર રાખવા માટે વ્યાપક સર્વેલન્સ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ઐતિહાસિક વિગતો મુજબ, તે સમયે માત્ર ૧૯ વર્ષના રહેવાસી અસદ ડંડિયા જેવા અનેક નિર્દોષ પરિવારોના ઘરે પોલીસના બાતમીદારો મોકલીને તેમની જાસૂસી કરાતી હતી. અનેક નિર્દોષ લોકોને દેશનિકાલ કરાયા હતા અને મહિલાઓએ હિજાબ પહેરવાનું પણ છોડી દેવું પડ્યું હતું. આજે ૩૩ વર્ષીય ઇતિહાસકાર અસદ ડંડિયા જણાવે છે કે, “જે બન્યું તેનો અફસોસ છે, પરંતુ તે હુમલા માટે હું કે મારો સમુદાય જવાબદાર નહોતો. અમે પણ આ શહેરનો એટલો જ હિસ્સો છીએ જેટલો બીજો કોઈ પણ નાગરિક.”
રાજકારણથી લઈને ટાઈમ્સ સ્ક્વેર સુધી મજબૂત હાજરી:
આજે પરિસ્થિતિમાં જમીન-આસમાનનો ફરક આવ્યો છે. ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ પવિત્ર કુરાન પર હાથ રાખીને પોતાના પદના શપથ લીધા હતા, જે ડેમોક્રેટિક સોશ્યલિસ્ટ રાજકારણના નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. આજે ન્યૂ યોર્કના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેરના જાહેર રસ્તાઓ પર મુસ્લિમો સુરક્ષિત રીતે નમાજ પઢે છે. ટૂંક સમયમાં જ ન્યૂ યોર્કમાં અમેરિકાની સૌથી મોટી મસ્જિદનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જ્યારે ૯/૧૧ પછી માત્ર ન્યૂ યોર્કમાં જ ૧૦૦થી વધુ નવી મસ્જિદો આકાર લઈ ચૂકી છે.
વસ્તી અને મસ્જિદોના આંકડામાં ધડાકાભેર વધારો:
તાજેતરના સર્વેક્ષણ અહેવાલ મુજબ, વર્ષ ૨૦૦૭માં સમગ્ર અમેરિકામાં મુસ્લિમોની વસ્તી આશરે ૨૪ લાખ હતી, જે વધીને હવે ૫૫ લાખ (અંદાજે ૫.૫ મિલિયન) સુધી પહોંચી ગઈ છે. ન્યૂ યોર્ક શહેરની કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો હવે ૯ ટકા જેટલો છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૦૦માં જ્યાં સમગ્ર દેશમાં માત્ર ૧,૨૦૦ મસ્જિદો હતી, ત્યાં હવે મસ્જિદોની સંખ્યા વધીને ૨,૮૦૦થી વધુ થઈ ગઈ છે.
વિરોધ અને કટ્ટરતા વચ્ચે પણ આશાનું કિરણ:
જોકે, આજે પણ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા કેટલાક લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો થતા રહે છે. તાજેતરમાં જ કેટલાક જમણેરી ઇન્ફ્લુએન્સરો અને રૂઢિચુસ્ત સેનેટરો દ્વારા મેયર મમદાની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ મેયર રૂડી જુલિયાનીએ પણ રાજકીય નિવેદનબાજી કરી હતી, પરંતુ મેયર મમદાનીએ કોઈપણ શાબ્દિક વિવાદમાં પડ્યા વિના પોતાનું ધ્યાન માત્ર પીડિત પરિવારો અને શહેરના વિકાસ પર કેન્દ્રિત રાખ્યું છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
