News of Saturday, 12th September 2026
બુલેટપ્રૂફ, બ્લાસ્ટ-રેઝિસ્ટન્ટ અને V12 એન્જિનથી સજ્જ: દિલ્હી સમિટમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ‘રેડ બેનર’ લિમોઝીન બની આકર્ષણનું કેન્દ્ર
અમેરિકાના રાષ્ટ્રપતિના 'ધ બીસ્ટ' કારને ટક્કર આપતી હોંગકી N701ની ખાસિયતોએ સૌને ચોંકાવ્યા: આગામી દાયકામાં વિશ્વભરમાં બનશે માત્ર ૫૦ સુપર-સિક્યોર વાહનો

નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આયોજિત ૧૮મી બ્રિક્સ સમિટ ૨૦૨૬માં ભાગ લેવા પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત જેટલી રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ છે, એટલું જ આકર્ષણ તેમની ખાસ કાર ‘હૉંગકી N701’ (Hongqi N701) ખેંચી રહી છે. ચીનના ટોચના નેતૃત્વની સુરક્ષા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવેલી આ સુપર-સિક્યોર બુલેટપ્રૂફ લિમોઝીન હાલ દિલ્હીની સડકો પર ભારે ચર્ચાનો વિષય બની છે. ચીનમાં ‘હૉંગકી’ નામનો અર્થ ‘લાલ બેનર’ થાય છે અને આ કાર ચીનની કૂટનીતિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
આ કોઈ સામાન્ય શોરૂમ કાર નથી, પરંતુ કંપનીના સર્વોચ્ચ 'L5' મોડેલ પરથી ખાસ આર્મર્ડ કસ્ટમાઇઝેશન સાથે વિકસાવવામાં આવી છે. ૫.૫ મીટરથી વધુ લંબાઈ ધરાવતી આ કારમાં ૬.૦-લીટર V12 એન્જિન લગાડવામાં આવ્યું છે, જે આશરે ૪૦૮ હોર્સપાવર (hp)ની ભયાનક તાકાત ઉત્પન્ન કરે છે. આ વાહનની સુરક્ષા એટલી કડક છે કે આગામી દાયકામાં ચીન સરકાર આવી માત્ર ૫૦ લિમોઝીનનું જ ઉત્પાદન કરવાની છે, જેને માત્ર રાજ્યના અતિવિશિષ્ટ કાર્યો માટે જ અનામત રાખવામાં આવશે.
સુરક્ષા સુવિધાઓની વાત કરીએ તો, N701માં ૨૧-ઈંચના સ્પેશિયલ બુલેટપ્રૂફ વ્હીલ્સ, અત્યંત જાડા બુલેટપ્રૂફ કાચ અને ગ્રેનેડ કે નાના ધડાકાઓને સહન કરી શકે તેવું મજબૂત સ્ટીલ-આર્મર પ્લેટિંગ છે. આ સિવાય, જો કાર પર કોઈ રાસાયણિક કે ગેસ એટેક થાય, તો તેની અંદર રહેલી ખાસ એર-કમ્પ્રેશન અને ફિલ્ટરેશન સિસ્ટમ રાષ્ટ્રપતિને સંપૂર્ણ સુરક્ષિત રાખે છે. શી જિનપિંગ અગાઉ અમેરિકા, રશિયા અને ઇજિપ્તની મુલાકાતો દરમિયાન પણ આ જ કાર પોતાની સાથે લઈ ગયા હતા.
વૈશ્વિક સ્તરે આ કારની સરખામણી અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર વાહન 'ધ બીસ્ટ' (The Beast) સાથે કરવામાં આવે છે. ‘ધ બીસ્ટ’માં રાષ્ટ્રપતિના બ્લડ ગ્રૂપનું ઈમરજન્સી બ્લડ, સેટેલાઈટ કમાન્ડ સિસ્ટમ અને નાઈટ-વિઝન જેવા હથિયારો હોય છે. ચીને પોતાની N701 લિમોઝીનની તમામ ટેકનિકલ ગુપ્તતાઓ જાહેર કરી નથી, પરંતુ દિલ્હી સમિટમાં તેનો કન્વોય સુરક્ષાની દ્રષ્ટિએ ચીનની આત્મનિર્ભરતા અને આધુનિક ઈજનેરીની છાપ છોડી રહ્યો છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
