તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ડિપ્રેશન ફરી થતું અટકાવવામાં એસ્કિટાલોપ્રામ દવા વધુ અસરકારકઃ ૩૦ હજારથી વધુ દર્દીઓના અભ્યાસમાં મહત્વપૂર્ણ તારણ
૨૦ પ્રકારની દવાઓની સરખામણીમાં ત્રણ દવાઓના સારા પરિણામઃ નિષ્ણાતોની ચેતવણી, ડૉક્ટરની સલાહ વગર દવા બદલવી નહીં

લંડન : ડિપ્રેશનની સારવાર અંગેના મોટા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અભ્યાસમાં એસ્કિટાલોપ્રામ નામની દવા દર્દીઓમાં ફરી ડિપ્રેશનનાં લક્ષણો ઊભાં થતાં અટકાવવામાં અન્ય કેટલીક પ્રચલિત દવાઓ કરતાં વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું હોવાનું બીબીસીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે.
જાણીતા તબીબી સંશોધન સામયિકમાં પ્રકાશિત અભ્યાસમાં અગાઉ થયેલાં ૧૧૫ ક્લિનિકલ પરીક્ષણોના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણોમાં કુલ ૩૦ હજારથી વધુ લોકોનો સમાવેશ થયો હતો અને ૨૦ પ્રકારની ડિપ્રેશન વિરોધી દવાઓની સરખામણી કરવામાં આવી હતી.
અભ્યાસના લાંબા ગાળાના પરિણામોમાં એસ્કિટાલોપ્રામ, એગોમેલેટિન અને ડ્યુલોક્સેટિન નામની ત્રણ દવાઓ ખાસ અસરકારક જણાઈ હતી.
આ દવાઓએ ફ્લુઓક્સેટિન નામની જાણીતી દવા કરતાં સારાં પરિણામો દર્શાવ્યાં હતાં.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે ડિપ્રેશનની સારવારમાં માત્ર શરૂઆતના સુધારાને બદલે દર્દી લાંબા સમય સુધી સ્વસ્થ રહે તે બાબત પણ મહત્વની છે.
જોકે દવાઓના પરિણામોમાં જોવા મળેલો તફાવત મર્યાદિત છે. દરેક દર્દીની શારીરિક સ્થિતિ, દવાઓની આડઅસરો અને અગાઉની સારવારને ધ્યાનમાં રાખીને જ યોગ્ય દવા પસંદ કરવી જોઈએ.
ખાસ કરીને એગોમેલેટિનથી યકૃતને નુકસાન થવાનું જોખમ પણ હોઈ શકે છે.
નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં સારવારથી સારું પરિણામ મેળવતા દર્દીઓએ પોતાની દવા અચાનક બંધ કરવી કે બદલવી નહીં.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
