<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ સાથે રૂ. ૧,૩૨૨ કરોડથી વધુની છેતરપિંડી કેસમાં એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્ર સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ગુનો નોંધાયો

​બિલકુલ ખોટા અને ફુલાવેલી નેટવર્થ દર્શાવતા સર્ટિફિકેટ્સ રજૂ કરીને રૂ. ૯૮૦ કરોડની બે લોન મંજૂર કરાવીને નાણાંની ઉચાપત કરી હોવાનો અને ઇન્સોલ્વન્સી કેસમાં વિરોધાભાષી નિવેદનો આપ્યા હોવાનો ગંભીર આરોપ

​નવી દિલ્હી: દેશના પ્રમુખ મીડિયા ગ્રુપ પૈકીના એક એવા એસેલ ગ્રુપ અને ઝી નેટવર્કના સ્થાપક સુભાષ ચંદ્રની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) સાથે આશરે રૂ. ૧,૩૨૨ કરોડની કથિત નાણાકીય ઠગાઈ અને છેતરપિંડીના સનસનાટીભર્યા મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સુભાષ ચંદ્ર તથા તેમની સાથે સંકળાયેલી કંપનીઓ અને અન્ય વ્યક્તિઓ સામે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ એજન્સીએ સુભાષ ચંદ્રને મુખ્ય આરોપી (આરોપી નંબર ૧) તરીકે દર્શાવ્યા છે.

​મળતી વિગતો અનુસાર, LICHFL ની ફરિયાદના આધારે સીબીઆઈએ ગુનાહિત કાવતરું રચવા, છેતરપિંડી કરવા અને વિશ્વાસઘાત કરવા બદલ ગુનો નોંધીને તપાસનો દોર શરૂ કર્યો છે. આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૮ દરમિયાન મંજૂર કરવામાં આવેલી બે મોટી ધિરાણ સુવિધાઓ સાથે જોડાયેલો છે. જે અંતર્ગત વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને પાન ઇન્ડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને રૂ. ૫૦૦ કરોડની લોન તથા ડિજિટલ સબ્સ્ક્રાઇબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસને રૂ. ૪૮૦ કરોડની લોન ફાળવવામાં આવી હતી. આ બંને ધિરાણ સુવિધાઓ સામે સુભાષ ચંદ્રે પોતાની પર્સનલ ગેરંટી આપી હતી.

​સીબીઆઈની એફઆઈઆર મુજબ, આ લોન મેળવવા માટે સુભાષ ચંદ્રે માર્ચ ૨૦૧૮માં તેમની પોતાની વાસ્તવિક નેટવર્થ રૂ. ૫૯,૧૧૩ કરોડ હોવાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સર્ટિફિકેટ્સ રજૂ કર્યા હતા. બાદમાં જુલાઈ ૨૦૧૮માં પણ બીજી લોન માટે રૂ. ૪૦,૫૬૨ કરોડની નેટવર્થ દર્શાવતું સર્ટિફિકેટ આપ્યું હતું. પરંતુ, જ્યારે સુભાષ ચંદ્ર સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ખાતે પર્સનલ ઇન્સોલ્વન્સીની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે તેમણે પોતાની નેટવર્થ માત્ર રૂ. ૩૧.૭૯ કરોડ જ દર્શાવી હતી અને એવો દાવો કર્યો હતો કે ૨૦૧૭-૧૮માં પણ તેમની સંપત્તિ રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુ નહોતી.

​બેંક અને તપાસ સંસ્થાનું માનવું છે કે, લોન મંજૂર કરાવવાના હેતુથી નાણાકીય આંકડાઓમાં ભારે ફુગાવો બતાવીને બનાવટી અને કાગળ પરની નેટવર્થ દર્શાવવામાં આવી હતી. લોન લીધા બાદ આ રકમ બિનઅધિકૃત રીતે ડાયવર્ટ કરવામાં આવી હતી અને સમય જતાં આ લોન ડિફોલ્ટ થઈ જતાં LICHFL ને વ્યાજ સાથે રૂ. ૧,૩૨૨ કરોડથી વધુનું જંગી નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

​નોંધનીય છે કે, હાલમાં જ એનસીએલટી દ્વારા રૂ. ૨૨,૦૦૬ કરોડથી વધુના કુલ દાવા સામે માત્ર રૂ. ૬.૨૫ કરોડ ચૂકવીને સેટલમેન્ટ કરવાની સુભાષ ચંદ્રની યોજના પર પણ સ્ટે મૂકી દેવામાં આવ્યો છે અને તેમની સંપત્તિઓ ટ્રાન્સફર કરવા પર રોક લગાવાઈ છે. હવે સીબીઆઈ દ્વારા ફોરેન્સિક ઓડિટ અને લોન એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેનાથી આગામી દિવસોમાં અન્ય સંબંધિત કંપનીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સામે પણ સિકંજો કસાય તેવી પૂરી શક્યતા રહેલી છે.

(6:40 PM IST)