<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ઠંડી માટે બનેલું યુરોપ ગરમીમાં શેકાયું!: ભયાનક હીટવેવથી ૧,૩૦૦ થી વધુ લોકોના મોત, શબઘરો ટૂંકા પડ્યા, એસી વગરના ઘરો બન્યા ભઠ્ઠી

કુદરતી પ્રકોપ સામે યુરોપ ઘૂંટણિયે: પેરિસમાં પ્રાઇડ માર્ચ રદ, નદી-તળાવોમાં નહાવા પડેલા વધુ ૭૪ લોકોના ડૂબી જવાથી મોત, પેરિસ રીજનમાં ૬૫થી વધુ ઉંમરના વૃદ્ધો સૌથી વધુ ભોગ બન્યા

પેરિસ : જે દેશો અને ખંડ હંમેશા બરફવર્ષા અને ગુલાબી ઠંડી માટે જાણીતા છે, તે યુરોપમાં અત્યારે કાળઝાળ ગરમીએ કાયાકલ્પ કરી નાખ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ આવેલા રેકોર્ડબ્રેક હીટવેવના કારણે સમગ્ર યુરોપ ઘૂંટણિયે આવી ગયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ગત ૨૧ જૂનથી અત્યાર સુધીમાં ભારે ગરમીના કારણે ૧,૩૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને પેરિસમાં શબઘરોમાં જગ્યા ઓછી પડતાં કામચલાઉ રેફ્રિજરેટેડ યુનિટ્સ ઊભા કરવા પડ્યા છે.

હીટવેવ બન્યો 'સાઇલેન્ટ કિલર': ગરમી રોકવા સક્ષમ નથી યુરોપિયન ઘરો

યુરોપમાં આવેલી આ આપત્તિએ એક મોટી માળખાકીય ખામી ખુલ્લી પાડી દીધી છે. વાસ્તવમાં, યુરોપના મોટાભાગના ઘરો, ઓફિસો અને શાળાઓ ઠંડીને રોકવા અને અંદર ગરમી જાળવી રાખવા માટે (ઇન્સ્યુલેટેડ) બનાવવામાં આવ્યા છે. હવે જ્યારે તાપમાન આસમાને પહોંચ્યું છે, ત્યારે આ ઘરો ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. નેશનલ હાઉસિંગ ફેડરેશનના મતે ૨૦ collector વર્ષ સુધીમાં યુકેના ૯૦% ઘરો ઓવરહીટિંગનો ભોગ બનશે.

જર્મનીના ડસેલડોર્ફમાં રહેતા ભારતીય મૂળના અભિનવ સેને જણાવ્યું કે, "અહીં સાર્વજનિક ટ્રાન્સપોર્ટ અને મોટાભાગના ઘરોમાં એસી નથી. હું સવારે વહેલા બારીઓ ખોલીને ઘર ઠંડુ કરું છું અને આખો દિવસ પડદા બંધ રાખું છું. ગરમીથી બચવા મેં આખું અઠવાડિયું વર્ક ફ્રોમ હોમ કર્યું છે." બ્રિટનમાં એસી કંપનીઓનો બિઝનેસ ભલે ચમક્યો હોય, પરંતુ વીજળીના મોંઘા બિલ અને મોંઘા ઇન્સ્ટોલેશનના કારણે સામાન્ય યુરોપિયનો એસી ખરીદતા ખચકાઈ રહ્યા છે.

ફ્રાન્સમાં હાહાકાર: ૩ દિવસમાં સામાન્ય કરતાં ૪૦૦થી વધુ મોત

આ હીટવેવની સૌથી ભયાનક અસર ફ્રાન્સમાં જોવા મળી રહી છે. પબ્લિક હેલ્થ ફ્રાન્સના રિપોર્ટ અનુસાર, સામાન્ય દિવસોમાં જ્યાં રોજ સરેરાશ ૯૦૦ થી ૧,૦૦૦ મોત થાય છે, ત્યાં ગત બુધ, ગુરુ અને શુક્રવારે આ આંકડો ૧,૪૦૦ ને પાર કરી ગયો હતો. એટલે કે માત્ર ત્રણ દિવસમાં જ ૧,૦૦૦ થી વધુ લોકોના વધારાના મોત નોંધાયા છે. આમાંથી ૮૫% મૃતકો ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો છે. પેરિસમાં સ્થિતિ કાબૂ બહાર જતાં કટોકટી સેવાઓ પરથી દબાણ હળવું કરવા માટે પ્રખ્યાત 'પ્રાઇડ માર્ચ' રદ કરવામાં આવી છે અને જાહેરમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગરમીથી રાહત મેળવવા નદી અને તળાવોમાં નહાવા પડેલા અન્ય ૭૪ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

આકાશમાં સર્જાયો જીવલેણ 'હીટ ડોમ'

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, યુરોપમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે કારણ કે આકાશમાં "હીટ ડોમ" (Heat Dome) નામની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ સર્જાઈ છે. આ એક એવી સિસ્ટમ છે જેમાં ગરમ હવા સપાટીની નજીક જ ફસાઈ જાય છે અને વાદળો બંધાતા અટકે છે. વાદળો ન હોવાને કારણે અવિરત અને આકરો સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડે છે, જે તાપમાનને સામાન્ય કરતાં ઘણું ઊંચું લઈ જઈને લોકોને શેકી રહ્યો છે. જર્મની, પોલેન્ડ અને ચેક રિપબ્લિક જેવા દેશો પણ હાલ આ કુદરતી માર સામે ઝઝૂમી રહ્યા છે.

(6:48 PM IST)