તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
યુરોપિયન યુનિયન દ્વારા નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન્સ જાહેર : કટોકટીની સ્થિતિમાં ૭૨ કલાક સુધી સ્વયંનિર્ભર રહેવા અને ઈમરજન્સી બેગ તૈયાર રાખવા અપીલ
યુરોપિયન કમિશનર હડજા લહબીબ દ્વારા બ્રસેલ્સ ખાતે સત્તાવાર માર્ગદર્શિકા કરાઈ જાહેર : સાયબર હુમલા, ભૂ-રાજકીય સંઘર્ષો અને કુદરતી આપત્તિઓ સામે નાગરિકોને સજ્જ કરવા પ્રયાસ

બ્રસેલ્સ: યુરોપિયન યુનિયન (EU) ના કમિશન દ્વારા પોતાના તમામ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, કોઈપણ કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય ત્યારે પ્રથમ ૭૨ કલાક (ત્રણ દિવસ) સુધી નાગરિકો પોતાની જરૂરિયાતો માટે સ્વયંનિર્ભર રહી શકે તે માટે પૂર્વતૈયારીઓ કરી રાખવા સત્તાવાર રીતે નિર્દેશ આપવામાં આવ્યા છે.
બ્રસેલ્સ ખાતે 'સિવિલ પ્રોટેક્શન ફોરમ'માં કરાઈ જાહેરાત:
બ્રસેલ્સ ખાતે આયોજિત યુરોપિયન સિવિલ પ્રોટેક્શન ફોરમ દરમિયાન યુરોપિયન કમિશનર હડજા લહબીબ દ્વારા આ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી હતી. બદલાતા વૈશ્વિક માહોલ, સાયબર હુમલાઓ, જટિલ સુરક્ષા પડકારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓ, અતિશય ખરાબ હવામાન અને ભૂ-રાજકીય સંઘર્ષો (Geopolitical Conflicts) જેવી વિવિધ કટોકટીઓ સામે દેશના નાગરિકો સતર્ક અને સજ્જ રહે તે આ ગાઈડલાઈન્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
'ગ્રેબ બેગ' અને ૩ દિવસ માટે જરૂરી સામગ્રીનો સંગ્રહ કરવા ભલામણ:
આ નવી નીતિ હેઠળ સરકારી એજન્સીઓ ઉપરાંત હવે નાગરિકો, સમુદાયો અને પરિવારોને પણ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં સહભાગી બનાવવાનો અભિગમ અપનાવાયો છે. ગાઈડલાઈન્સ મુજબ દરેક કુટુંબે એક ખાસ "ગ્રેબ બેગ" (Grab Bag) તૈયાર રાખવાની રહેશે. જેથી ઈમરજન્સી સેવાઓ પહોંચે તે દરમિયાન ૭૨ કલાક સુધી પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકાય. આ બેગમાં લાંબો સમય બગડે નહીં તેવો સૂકો ખોરાક, જરૂરી દવાઓ, સ્વચ્છતાની વસ્તુઓ, કટોકટી માટે રોકડ રકમ અને વ્યક્તિ દીઠ અંદાજે ૬ લીટર પીવાનું પાણી સંગ્રહ કરવા સલાહ આપવામાં આવી છે.
શાળાના અભ્યાસક્રમમાં આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ અને દિવ્યાંગો માટે વિશેષ આયોજન:
યુરોપિયન કમિશને સભ્ય દેશોને સૂચના આપી છે કે તેઓ પોતાના દેશના પ્રાથમિક શિક્ષણ અને બાળપણના અભ્યાસક્રમમાં કટોકટી વ્યવસ્થાપન વિષયનો સમાવેશ કરે. બાળકોમાં ડર ઊભો કર્યા વિના તેમનામાં વ્યવહારુ જાગૃતિ અને જીવન કૌશલ્યો કેળવવાનો આ યોજનાનો હેતુ છે. આ ઉપરાંત, દિવ્યાંગ વ્યક્તિઓને પણ આપત્તિ વ્યવસ્થાપનના આયોજનમાં સક્રિય રીતે સામેલ કરવા અને કોઈપણ કટોકટી વખતે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરાઈ છે. તંત્રને પણ આદેશ અપાયો છે કે આપત્તિ પહેલાં, દરમિયાન અને પછી નાગરિકો સુધી સ્પષ્ટ અને સચોટ માહિતી પહોંચે તે માટે સંચાર વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
