<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં યુરોપિયનોએ પ્રવાસનો પ્લાન બદલ્યો: એશિયા-મિડલ ઈસ્ટના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો, યુરોપના બજારો ગરમાયા

સુરક્ષાની ચિંતા અને મોંઘી હવાઈ સફરના કારણે પ્રવાસીઓ હવે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કો તરફ વળ્યા; થાઈલેન્ડ-જોર્ડન જેવા દેશોમાં બુકિંગમાં મોટો ઘટાડો

લંડન, તા. ૧૯: વિશ્વભરમાં ભૌગોલિક-રાજકીય અસ્થિરતા અને ખાસ કરીને મધ્ય-પૂર્વ (Middle East) માં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. યુરોપના પ્રવાસીઓ હવે સુરક્ષાના કારણોસર પોતાના ઘર આંગણે અથવા નજીકના સુરક્ષિત દેશોમાં વેકેશન ગાળવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ બદલાતા ટ્રેન્ડને કારણે મધ્ય-પૂર્વના પ્રવાસન ઉદ્યોગને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે, જ્યારે સ્પેન, પોર્ટુગલ અને ઈટાલી જેવા દક્ષિણ યુરોપિયન દેશો માટે લોટરી લાગી છે.

મધ્ય-પૂર્વમાં ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા તણાવના કારણે પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. જોર્ડનના ઐતિહાસિક શહેર 'પેટ્રા'માં અગાઉ પ્રવાસીઓની લાંબી લાઈનો જોવા મળતી હતી, જે હવે સૂમસામ ભાસી રહ્યું છે. ટ્યુનિશિયાના જેર્બા ટાપુ પર પણ પ્રવાસન સીઝન ખૂબ જ ધીમી ગતિએ શરૂ થઈ છે. હોટેલ સંચાલકોના જણાવ્યા અનુસાર, જ્યાં રોજના ૧૦૦ નવા બુકિંગ આવતા હતા, તે હવે ઘટીને માત્ર ૫૦ થઈ ગયા છે.

એરલાઇન્સ અને એશિયાના પ્રવાસનને પણ ફટકો

આ વિવાદની અસર માત્ર મધ્ય-પૂર્વ પૂરતી સીમિત નથી રહી, પરંતુ ગલ્ફ દેશોના એરપોર્ટ અને હવાઈ ક્ષેત્રો (Airspace) માં સર્જાયેલા અવરોધો તેમજ ઈંધણના ભાવ વધારાને કારણે હવાઈ ભાડાં આસમાને પહોંચ્યા છે. આનાથી દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રવાસનને પણ મોટો ફટકો પડ્યો છે. થાઈલેન્ડના પ્રવાસન મંત્રાલયના આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં યુરોપિયન પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેમાં જર્મનીના પ્રવાસીઓમાં ૨૯% અને ઈટાલીના પ્રવાસીઓમાં ૪૪% નો તોતિંગ ઘટાડો સામે આવ્યો છે. વિશ્વની સૌથી મોટી ટૂર ઓપરેટર કંપની 'TUI' એ પણ ગ્રાહકોની સાવચેતીને પગલે પોતાના નફાના અંદાજમાં ઘટાડો કર્યો છે.

શું કહે છે નિષ્ણાતો?

સ્ટોક બ્રોકરેજ ફર્મના એનાલિસ્ટ આરીન ચિકરીના જણાવ્યા અનુસાર, "પ્રવાસીઓ પોતાના વેકેશન પ્લાન સંપૂર્ણપણે રદ નથી કરી રહ્યા, પરંતુ તેઓ છેલ્લી ઘડીએ (Last-minute) બુકિંગ કરવાનું પસંદ કરી રહ્યા છે. ડિમાન્ડ બિલકુલ ખતમ થઈ જવા કરતાં આ સ્થિતિ ઘણી સારી છે."

 

સ્પેન અને પોર્ટુગલ બન્યા હોટ-ફેવરિટ

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC) ના અંદાજ મુજબ, આ વર્ષે યુરોપમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ખર્ચ ૭.૧% વધવાની ધારણા છે. અસ્થિરતાના માહોલમાં લોકો સ્પેન અને પોર્ટુગલ જેવા 'સુરક્ષિત' ગણાતા દેશો તરફ વળી રહ્યા છે, જેને અર્થશાસ્ત્રીઓ 'સબસ્ટીટ્યુશન ઈફેક્ટ' (Substitution Effect) તરીકે ઓળખાવી રહ્યા છે.

બીજી તરફ, ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશને આ સ્થિતિનો સીધો ફાયદો મળ્યો છે. મોરોક્કોના પ્રવાસન મંત્રી ફાતિમ-ઝહરા અમ્મોરે જણાવ્યું હતું કે, ભૌગોલિક રાજકીય તણાવ છતાં મોરોક્કોનું પ્રવાસન અમારા અંદાજ મુજબ જ પ્રદર્શન કરી રહ્યું છે અને એપ્રિલ ૨૦૨૬ ના અંત સુધીમાં તેમાં ૫% નો ગ્રોથ જોવા મળ્યો છે. એકંદરે, વૈશ્વિક અર્થતંત્રના ૨.૪% ના વિકાસ દરની સરખામણીએ આ વર્ષે વૈશ્વિક ટુરિઝમ સેક્ટર ૩.૨% ના ઝડપી દરે આગળ વધશે તેવો આશાવાદ હજુ પણ અકબંધ છે.

 

(3:14 PM IST)