<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

NEET UGમાં 70 વર્ષના બુઝુર્ગો પણ આપી રહ્યા છે પરીક્ષા: હવે મહત્તમ વય મર્યાદા નક્કી કરવા સંસદીય સમિતિની મોટી ભલામણ

પેન-પેપર મોડને બદલે CBT પરીક્ષા પદ્ધતિ અપનાવવા અને સરકારી સંસ્થાઓને જ સેન્ટર બનાવવાની વહીવટી તંત્રને સુચના

નવી દિલ્હી:  દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGમાં વય મર્યાદા અને પ્રયાસોની કોઈ સીમા ન હોવાને કારણે 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો પણ ભાગ લઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સંસદીય સમિતિના 382મા અહેવાલમાં થયો છે. શિક્ષણ અને રમતગમત સંબંધિત સંસદીય સ્થાયી સમિતિએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં મોટા સુધારા સૂચવતાં શિક્ષણ મંત્રાલય તથા આરોગ્ય મંત્રાલયને NEET UG સહિતની તમામ મુખ્ય પરીક્ષાઓ માટે ઉંમર અને પ્રયાસોની યોગ્ય મર્યાદા નક્કી કરવા ભલામણ કરી છે.
અહેવાલ મુજબ, હાલમાં NEET UG માટે મહત્તમ વય મર્યાદા કે અટેમ્પ્ટની મર્યાદા નથી, જ્યારે JEE Advancedમાં સતત બે વર્ષમાં વધુમાં વધુ બે વખત જ પરીક્ષા આપવાનો નિયમ છે. અગાઉ વર્ષ 2017માં કેન્દ્ર સરકારે સામાન્ય વર્ગ માટે 25 વર્ષ અને અનામત વર્ગ માટે 30 વર્ષની વય મર્યાદા તથા વધુમાં વધુ ત્રણ પ્રયાસોનો નિયમ બનાવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી તે દરમિયાન ઉમેદવારોને વચગાળાની રાહત મળી હતી અને બાદમાં માર્ચ 2022માં નેશનલ મેડિકલ કમિશન (NMC) એ મહત્તમ વય મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી હતી.
પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે સંસદીય સમિતિએ નીટ પરીક્ષાને પેન-પેપર મોડમાંથી બદલીને કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં યોજવાની યોજનાનું સમર્થન કર્યું છે. સમિતિએ ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે ટિયર-2, ટિયર-3 શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવી જોઈએ. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો માત્ર કેન્દ્ર કે રાજ્ય સરકારની માલિકીની સંસ્થાઓમાં જ રાખવા જોઈએ, કારણ કે ખાનગી સંસ્થાઓને પેટા-કરાર આપવાથી પરીક્ષાની ગુપ્તતા અને સુરક્ષા જોખમાઈ શકે છે.
સંસદીય સ્થાયી સમિતિની ભલામણો બાદ હવે શિક્ષણ મંત્રાલય અને નેશનલ મેડિકલ કમિશન આ દિશામાં નવો સુધારો લાવવા વિચારણા કરશે, પરંતુ હાલ પૂરતો જૂનો નિયમ જ અમલી રહેશે. ભવિષ્યમાં વય મર્યાદા અને પ્રયાસોની સંખ્યા પર નવો નિર્ણય લેવાશે કે નહીં તેનો આધાર સરકાર અને સંબંધિત સત્તાવાળાઓની આગામી બેઠકો અને નીતિગત નિર્ણયો પર રહેલો છે.

(12:48 PM IST)