તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
અમેરિકાની એચ-૧બી (H-1B) અને ગ્રીન કાર્ડની અરજીઓમાં એક નાની સહીની ભૂલ પણ અરજદારોને ભારે પડશે : યુએસસીઆઈએસ (USCIS) ૧૦ જુલાઈ ૨૦૨૬ થી કડક નિયમો લાગુ કરશે
અરજી સ્વીકાર્યા પછી પણ સહીની ખામી જણાશે તો કેસ સીધો જ રિજેક્ટ કે ડિનાય કરવામાં આવશે : ડિજિટલ, કોપી-પેસ્ટ કે સ્ટેમ્પ વાળી સહીઓ અમાન્ય ગણાશે અને ભરેલી ફી પણ ડૂબશે

ન્યૂયોર્ક : અમેરિકામાં નોકરી કરવા અને ત્યાં કાયમી વસવાટ કરવાના સપના જોતા હજારો ભારતીય આઈટી વ્યાવસાયિકો અને અન્યો માટે અમેરિકન વહીવટીતંત્રના એક નવા નિર્ણયથી મુશ્કેલીઓ વધી શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા એક નવો વચગાળાનો નિયમ જારી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ઇમિગ્રેશન અરજીઓ પરની સહીઓ (Signatures) ને લઈને અત્યંત કડક વલણ અપનાવશે. આ નવો નિયમ ૧૦ જુલાઈ ૨૦૨૬ થી સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અમલી બની જશે, જેની સીધી અસર એચ-૧બી વિઝા પિટિશન, ગ્રીન કાર્ડ ફાઇલિંગ અને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજીઓ પર પડવાની પૂરેપૂરી સંભાવના છે.
નવા જાહેર કરાયેલા કાયદા અનુસાર, જો કોઈ અરજદારની સહીમાં કોઈ ખામી હશે, તો ઇમિગ્રેશન ઓફિસર્સને તે અરજીને કોઈપણ તબક્કે નકારી કાઢવાની અથવા રદ કરવાની વ્યાપક સત્તા આપવામાં આવી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જો કોઈ અરજી શરૂઆતમાં સ્વીકારી લેવામાં આવી હોય અને પ્રોસેસિંગ દરમિયાન પાછળથી ઇમિગ્રેશન અધિકારીને ખબર પડે કે સહી નિયમ મુજબ નથી, તો પણ તે અરજી તાત્કાલિક રદ થઈ શકે છે. આટલું જ નહીં, અરજી નામંજૂર થવાના કિસ્સામાં અરજદારે ભરેલી મોંઘી ફાઇલિંગ ફી પણ જપ્ત થઈ જશે અને રોકાણ કરેલા નાણાં પાછા મળશે નહીં. અરજીમાં સુધારો કરવાની કે સહી સુધારવાની કોઈ તક આપવામાં આવશે નહીં, અરજદારે નવેસરથી આખી પ્રક્રિયા કરવી પડશે.
જો કે, સહી હોવી જોઈએ તેવો નિયમ ઘણો જૂનો છે અને ઇમિગ્રેશન ફોર્મ્સ પર હંમેશા સહી અનિવાર્ય રહી છે. પરંતુ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગનું કહેવું છે કે ભૂતકાળમાં વિવિધ કચેરીઓમાં સહીની ચકાસણી બાબતે એકરૂપતા નહોતી અને નિયમોનું કડકાઈથી પાલન થતું નહોતું, જેના કારણે અરજદારો પણ ઘણી વખત ગંભીરતા દાખવતા નહોતા. હવે વહીવટીતંત્રે બધી શંકાઓ દૂર કરીને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. પેપર ફાઇલિંગ એટલે કે કાગળ પર સબમિટ કરવામાં આવતી અરજીઓ માટે હાથથી લખેલી ઓરિજિનલ ‘વેટ-ઇન્ક’ (ભીની શાહીની) સહી જ પ્રમાણભૂત ગણવામાં આવશે.
નવી ગાઈડલાઈન મુજબ, યુએસસીઆઈએસ દ્વારા કઈ સહીઓ માન્ય રાખવામાં આવશે તેની યાદી આપવામાં આવી છે. તેમાં અસલ સહી કરેલા દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો, ફેક્સ કરેલી નકલો અથવા ઝેરોક્ષ નકલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુએસસીઆઈએસ દ્વારા માન્ય કરાયેલી ચોક્કસ ઓનલાઈન ફાઈલિંગ સિસ્ટમ્સમાં જ જનરેટ થયેલી ઇલેક્ટ્રોનિક સહીઓ સ્વીકારવામાં આવશે. આ સિવાયની કોઈપણ પદ્ધતિથી કરવામાં આવેલી સહી ગેરકાયદેસર ગણાશે અને તેના કારણે વર્ષોની મહેનત પાણીમાં જઈ શકે છે.
ઇમિગ્રેશન એજન્સીએ અરજદારોને કેટલીક બાબતોથી ખાસ બચીને રહેવાની તાકીદ કરી છે. કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી કરવામાં આવતી ડિજિટલ સહીઓ, એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી-પેસ્ટ કરેલી સહીઓ, સહીના રબર સ્ટેમ્પ અથવા ઓટો-જનરેટેડ સિગ્નેચર્સને કાગળની અરજીઓ પર બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં. આ ઉપરાંત, અરજદાર અથવા સ્પોન્સર કરનાર એમ્પ્લોયર સિવાય અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ કે એટર્ની (વકીલ) દ્વારા કરવામાં આવેલી સહી પણ અમાન્ય ઠરશે. હાલમાં આ વચગાળાનો નિયમ જાહેર જનતાના સૂચનો અને ટિપ્પણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે જુલાઈ મહિનામાં કાયદો બની જશે. તેથી તમામ અરજદારોએ હવેથી વધુ સાવચેત રહેવું પડશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
