<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

૩૬ વર્ષ બાદ પણ ઘાટીમાં એ જ જૂનો ખૌફ: કાશ્મીરી પંડિતો અને બહારના મજૂરોને ૧૭ દિવસમાં બીજી વાર ધમકીભર્યો પત્ર મળ્યો; સેના અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ULCએ જાનથી મારી નાખવાની આપી ચેતવણી; કાશ્મીરી પંડિતોના વાહન નંબર અને સરનામા જાહેર કરીને ટાર્ગેટ કિલિંગની ભીતિ સર્જી

શ્રીનગર, તા.૦૭: કાશ્મીર ઘાટીમાં ૩૬ વર્ષ પહેલાં જે ખૌફ અને દહેશતનું વાતાવરણ સર્જાયું હતું, તે કાળો સાયો ફરી એકવાર ઘેરો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. લશ્કર-એ-તૈયબાના ઓનલાઈન પ્રોક્સી ફ્રન્ટ 'યુનાઈટેડ લિબરેશન કાઉન્સિલ' (ULC) દ્વારા સોશિયલ મીડિયા પર એક અત્યંત ધમકીભર્યો લેટર જાહેર કરવામાં આવ્યો છે. માત્ર ૧૭ દિવસના ટૂંકા ગાળામાં જમ્મુ-કાશ્મીરમાં વસતા કાશ્મીરી પંડિતો અને બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને લક્ષ્ય બનાવીને બીજી વખત આવી ભયાનક ધમકી આપવામાં આવતા ઘાટીમાં ચિંતા અને સન્નાટો વ્યાપી ગયો છે.

આ વખતે આતંકી સંગઠને ખાસ કરીને બહારના રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા મજૂરોને ટાર્ગેટ કર્યા છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ આઉટસાઈડર્સ કાયમી નિવાસનો અધિકાર મેળવવા માટે પ્રોક્સી પ્રશાસનના શરણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ધમકીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સ્થાનિક લોકો તેમને બહાર હાંકી કાઢે, નહીંતર લિંગ કે હેસિયતની પરવા કર્યા વિના તેમને હિંસક પરિણામો ભોગવવા પડશે અને તેમની લાશ જ તેમના મૂળ વતન મોકલવામાં આવશે.

આ પત્ર જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ થયેલી ધમકીઓની શ્રૃંખલાનો જ એક ભાગ છે. અગાઉના પત્રોમાં વડાપ્રધાન પુનર્વાસ પેકેજ હેઠળ કામ કરતા કાશ્મીરી પંડિત કર્મચારીઓના વ્યક્તિગત નામ, ઘરના સરનામા અને વાહનોના નંબર જાહેર કરીને તેમની પર ચોકીદારી રાખવા અને હુમલો કરવાની ખુલ્લી ધમકી અપાઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આ મામલે કડક પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ, ભયના ઓથાર હેઠળ જીવતા કાશ્મીરી પંડિતોએ પોતાની સુરક્ષા વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.

(3:51 PM IST)