હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"IIT, IIM અને IAS બન્યા પછી પણ દેશે મને ખુશ રહેતા ન શીખવ્યું": શિક્ષણ પ્રણાલી પર સવાલ ઉઠાવતી મહિલા અધિકારીની પોસ્ટથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા!
"આપણે પિરિયોડિક ટેબલ તો ગોખી નાખ્યું, પણ તૂટેલા હૃદયની કેમિસ્ટ્રી કોઈએ ન સમજાવી"; સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરાવતી શાળાઓ માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય શીખવવામાં નિષ્ફળ રહી હોવાનો દિવ્યા મિત્તલનો આક્રોશ

નવી દિલ્હી, તા.૧૯: ભારતની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓ પાસ કરીને ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા લોકો પણ જ્યારે વર્તમાન શિક્ષણ પ્રણાલી સામે સવાલ ઉઠાવે ત્યારે તે વિષય આખા દેશ માટે ચિંતનનો બની જાય છે. આવી જ એક હૃદયસ્પર્શી અને વૈચારિક ચર્ચા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શરૂ થઈ છે. દેશની સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ IIT દિલ્હીથી લઈને IIM બેંગ્લોર સુધી અભ્યાસ કરનાર અને હાલમાં વહીવટી સેવામાં કાર્યરત લોકપ્રિય IAS અધિકારી દિવ્યા મિત્તલે ભારતની શિક્ષણ વ્યવસ્થાની નબળાઈઓ પર આકરા પ્રહાર કરતી એક પોસ્ટ શેર કરી છે, જે અત્યારે ભારે વાયરલ થઈ રહી છે.
દિવ્યા મિત્તલે પોતાની અંગત સફરના અનુભવો શેર કરતા લખ્યું કે, "મને મારા દેશ દ્વારા આપવામાં આવતું સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળ્યું. આ શિક્ષણે મને અઘરી પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી અને મોટી જવાબદારીઓ કેવી રીતે સંભાળવી તે તો ખૂબ સારી રીતે શીખવ્યું, પરંતુ આટલા વર્ષોના ભણતરે મને ક્યારેય મારા પોતાના મનને શાંત રાખતા કે એકલતાનો સામનો કરતા ન શીખવ્યું. આપણે જીવનના ઘણા વર્ષો કેવી રીતે કંઈક મેળવવું (Achieve કરવું) તે શીખવામાં વિતાવી દઈએ છીએ, પરંતુ ખુશ કેવી રીતે રહેવું તે શીખવામાં એક પણ દિવસ વિતાવતા નથી."
"શાળામાં વધુ જવાબો આપનાર જીતે છે, પણ જીવનમાં પ્રશ્નો ઉઠાવનાર ટકી રહે છે"
તેમની આ પોસ્ટ પર દેશભરમાંથી લાખો લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ ચર્ચા માત્ર એક અધિકારીની વ્યક્તિગત યાત્રા મટીને સમગ્ર દેશની શિક્ષણ પદ્ધતિના પીએમ (Post-Mortem) સમાન બની ગઈ છે. ભાવનાત્મક નિયંત્રણ (Emotional Regulation) પર ભાર મૂકતા તેમણે લખ્યું કે, વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાનના અઘરા પ્રમેય શીખવવામાં આવે છે પરંતુ ક્યારેય દુઃખ, અતિશય તણાવ કે નિષ્ફળતાને કેવી રીતે પચાવવી તે શીખવવામાં આવતું નથી. આપણે વિજ્ઞાનમાં સામયિક કોષ્ટક (Periodic Table) તો યાદ રાખી લીધું, પરંતુ જીવનમાં ક્યારેય હૃદય તૂટે ત્યારે તેની કેમિસ્ટ્રી શું હોય છે તે કોઈએ ન સમજાવી.
નાણાકીય સાક્ષરતા (Financial Literacy) અને કમ્યુનિકેશન સ્કિલ્સ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, શાળાઓમાં માત્ર નિબંધો લખીને માર્ક્સ લાવતા શીખવવામાં આવે છે, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની નબળાઈ કે અસ્વસ્થતા કેવી રીતે વ્યક્ત કરવી, સીમાઓ (Boundaries) કેવી રીતે નક્કી કરવી અથવા કોઈ બાબત માટે સ્પષ્ટ "ના" કેવી રીતે કહેવું તે શીખવવામાં આવતું નથી. વર્ષો સુધી ગણિત ભણ્યા પછી પણ યુવાનો દેવું, બેદરકારીપૂર્વક ખર્ચ કરવાની આદતો કે નાણાકીય તણાવનું સંચાલન કરી શકતા નથી. શિક્ષણ ફક્ત પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેને સાચવવા પર નહીં.
પ્રતિભા, વિશેષાધિકાર અને નસીબ પર થઈ મોટી ચર્ચા
આ ચર્ચા દરમિયાન કેટલાક યુઝર્સે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે IIT, IIM અને UPSC જેવી બેઠકો મેળવનારા લોકો અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ વિશેષાધિકાર ધરાવતા હોય છે. જેના જવાબમાં IAS દિવ્યા મિત્તલે ખૂબ જ સચોટ જવાબ આપતા લખ્યું કે, "પ્રતિભાને પણ એક રીતે નસીબ કહી શકાય, પરંતુ આપણે હંમેશા એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે આપણા હાથમાં છે અને તે છે 'સખત મહેનત'."
આ પોસ્ટના સમર્થનમાં ઘણા લોકોએ સ્વીકાર્યું છે કે ભારતમાં પ્રવર્તતી 'એક્ઝામ કલ્ચર' (પરીક્ષા સંસ્કૃતિ) વિદ્યાર્થીઓ પર એટલું પ્રચંડ દબાણ લાવે છે કે તેઓ શૈક્ષણિક રીતે તો સફળ થઈ જાય છે, પરંતુ ભાવનાત્મક રીતે પુખ્ત બની શકતા નથી. જોકે, કેટલાક લોકોનો મત એવો પણ હતો કે દરેક જીવન કૌશલ્ય શીખવવાની અપેક્ષા માત્ર શાળાઓ પાસેથી ન રાખી શકાય, તેમાં પરિવારની પણ ભૂમિકા છે. આ અહેવાલે શિક્ષણના વાસ્તવિક મૂલ્ય પર મોટો પ્રશ્ન ચિહ્ન ઊભો કર્યો છે કે—શું શિક્ષણનો હેતુ માત્ર એક શાનદાર કારકિર્દી બનાવવાનો છે, કે પછી વિદ્યાર્થીને જીવનની અનિશ્ચિતતાઓ, નિષ્ફળતાઓ અને સંબંધોને સંભાળવા માટે સક્ષમ બનાવવાનો પણ છે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
