<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

મહિલા અનામત કાયદા પછી પણ રાજકીય પક્ષોએ માત્ર ૧૦% મહિલાઓને જ ટિકિટ આપી

ADRના અહેવાલમાં નારીશક્‍તિના દાવાની પોલ ખુલી : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ દર ૧૦ ઉમેદવારોમાંથી માત્ર એક મહિલા ઉમેદવારને જ ટિકિટ આપી

 

નવી દિલ્‍હી,તા.૨૦: રાજકારણમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્‍વ આપવા માટે ૨૦૨૩માં મહિલા અનામત કાયદો પસાર કરવામાં આવ્‍યો હોવા છતાં ભારતની રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્‍વ હજુ પણ ઘણું ઓછું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ દર ૧૦ ઉમેદવારોમાંથી માત્ર એક મહિલા ઉમેદવારને જ ટિકિટ આપી છે, એવું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR)ના વિશ્‍લેષણમાં બહાર આવ્‍યું છે.

‘ચૂંટણીમાં મહિલા ઉમેદવારોઃ મહિલા અનામત બિલ, ૨૦૨૩ પછી પાર્ટી ટિકિટ વિતરણનું વિશ્‍લેષણ' નામના અહેવાલમાં ૨૦૨૩માં મહિલા અનામત બિલ પસાર થયા પછી યોજાયેલી લોકસભા તથા વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનારા ૫૧,૭૦૮ ઉમેદવારોનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું હતું. તેમાં માત્ર ૫,૦૯૫ ઉમેદવારો (૧૦ ટકા) મહિલાઓ હતી. મહિલાઓને વિધાનસભા અને સંસદમાં અનામત આપવા માટે પૂરતી રાજકીય ઇચ્‍છાશક્‍તિ અંગે સવાલ કરીને આ અહેવાલમાં જણાવાયું હતું કે મહિલા અનામત બિલ સૌ પ્રથમ ૧૯૯૬માં ૮૧મા બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ થયું હતું. ત્‍યારબાદ ૨૦૦૮માં ૧૦૮મા બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કરાયું હતું, જેમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ હતી. સપ્‍ટેમ્‍બર ૨૦૨૩માં ૧૨૮મું બંધારણીય સુધારા બિલ ‘નારી શક્‍તિ વંદન અધિનિયમ'ને સંસદને બહાલી મળી હતી. આ બિલ પાસ થયું હોવા છતાં તેનો અમલ આગામી વસ્‍તી ગણતરી અને સીમાંકન પછી જ કરાશે.

ADRએ જણાવ્‍યું હતું કે આ વિલંબ પુરુષપ્રધાન રાજકીય માળખાની અનિચ્‍છા પણ દર્શાવે છે. ૨૦૨૬-૨૭માં યોજાનારી વસ્‍તી ગણતરી સમયસર પૂર્ણ થશે તો ૨૦૨૯થી આ કાયદાનો અમલ શક્‍ય બની શકે. મહિલા અનામત બિલ પસાર થયાના થોડા મહિના પછી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં કુલ ઉમેદવારો ૮,૩૬૦ ઉમેદવારોમાંથી માત્ર ૮૦૦ મહિલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતી. આ ટકાવારી માત્ર ૯.૬ ટકા થાય છે. આ ઉપરાંત ૫૪૩ લોકસભા બેઠકોમાંથી ૧૫૨ બેઠકો પર એકપણ મહિલા ઉમેદવાર મેદાનમાં ન હતી. ૨૦૨૩માં મહિલા અનામત બિલના અમલ પછી ૨૨ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ ૩૧,૪૨૯ ઉમેદવારોમાંથી મહિલાની સંખ્‍યા માત્ર ૩,૨૭૩ (૧૦.૨) હતી. કોઈપણ રાજ્‍ય કે કેન્‍દ્રશાસિત પ્રદેશમાં મહિલા ઉમેદવારોનુ પ્રમાણ૧૪ ટકા કરતાં વધુ રહ્યું ન હતું. ભારતમાં ૬૬.૨૯ કરોડ મહિલા મતદારો છે.

(10:15 AM IST)