News of Tuesday, 24th November 2026
ભિક્ષુકની ભક્તિ આગળ ધનકુબેરો પણ ઝાંખા પડ્યા: 30 વર્ષથી મંદિર બહાર ભીખ માંગી ગુજરાન ચલાવતી મહિલાએ ₹1.50 લાખનું રોકડ દાન આપી સમાજને ચોંકાવ્યો!
આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના તુનીમાં રહેતી ગોરલી નરસૈયમ્માએ ભગવાન શિવના સ્વપ્ન બાદ પોતાની રોજિંદી ભિક્ષામાંથી પાઈ-પાઈ બચાવીને વિશાળ ત્રિશૂળ માટે ₹1 લાખ અને મંદિર વિકાસ માટે ₹50 હજાર અર્પણ કર્યા : આ અગાઉ તે શ્રીશૈલમ મંદિરમાં સોનાની આંખો અને અન્નદાન માટે ચોખાની બોરીઓ પણ દાનમાં આપી ચૂકી છે

કાકીનાડા: દાન કરવા માટે તિજોરી છલકાતી હોવી જરૂરી નથી, પરંતુ હૃદયમાં અતૂટ શ્રદ્ધા અને ઉદારતા હોવી જરૂરી છે . આ વાત આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના તુની શહેરમાં રહેતી ગોરલી નરસૈયમ્માએ સાબિત કરી બતાવી છે. છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી મંદિરોની બહાર બેસીને ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતી આ મહિલાએ પોતાની નાની-નાની બચતમાંથી એકઠા કરેલા ₹1.50 લાખ રોકડા મંદિરને દાનમાં આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઘણા વર્ષો પહેલાં તિરુપતિથી તુની સ્થળાંતરિત થયેલી નરસૈયમ્માએ ગોલ્લાપરાવ સેન્ટર નજીકના શિવ મંદિરના પરિસરને જ પોતાનું ઘર બનાવી લીધું છે. તે રોજ ભક્તો પાસેથી મળતી ભિક્ષામાંથી પોતાની પાયાની જરૂરિયાતો પૂરી કર્યા બાદ બાકીની રકમ ધાર્મિક કાર્યો માટે અલગ રાખે છે, જેના પરિણામે તેણે વિશાળ ત્રિશૂળના નિર્માણ માટે ₹1 લાખ અને મંદિરના વિકાસ કામો માટે ₹50 હજાર અર્પણ કર્યા છે.
નરસૈયમ્માની આ અનોખી ભક્તિ પાછળ એક આધ્યાત્મિક પ્રેરણા રહેલી છે; અહેવાલો મુજબ, એકવાર તેને સ્વપ્નમાં ભગવાન શિવના દર્શન થયા હતા અને ત્યારથી તેણે પોતાને આશ્રય આપનારા મંદિરોની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. તેની ઉદારતા માત્ર આ ₹1.50 લાખ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અગાઉ પણ તેણે પ્રસિદ્ધ શ્રીશૈલમ મંદિરમાં દેવી ભ્રમરામ્બિકાને સોનાની આંખોની જોડી અર્પણ કરી હતી અને અન્ય ત્રણ મંદિરોમાં ₹10,000 થી ₹20,000 સુધીનું રોકડ દાન આપ્યું હતું. આ ઉપરાંત, તેણે તુનીના દારાલમ્મા મંદિરમાં ત્રિશૂળ માટે ₹1 લાખ, કાર્તિક માસમાં અન્નપૂર્ણા વિશાલાક્ષી વિશ્વેશ્વર સ્વામી મંદિરના વિકાસ માટે ₹50,000 અને ગત વર્ષે ભક્તોના મફત ભોજન એટલે કે 'અન્નદાનમ' માટે ચાર બોરી ચોખાનું પણ દાન કર્યું હતું.
પોતાની રોજિંદી આજીવિકા માટે અન્ય લોકો પર નિર્ભર રહેતી એક મહિલાના આ નિઃસ્વાર્થ સમર્પણની સમગ્ર તુની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. દારાલમ્મા મંદિરના પ્રમુખ તિરુમાલાસેટ્ટી સત્તીબાબુ અને સચિવ પલેલા નાગેશ્વર રાવે નરસૈયમ્માના આ યોગદાનને અત્યંત પ્રેરણાદાયક ગણાવતા કહ્યું કે, પોતાની પાસે અત્યંત મર્યાદિત સાધનો હોવા છતાં ભિક્ષામાંથી બચાવેલા નાણાં ધાર્મિક સંસ્થાઓની સેવામાં સમર્પિત કરવા એ સાચી ભક્તિ અને માનવતાનું સર્વોચ્ચ ઉદાહરણ છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
