<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

નાના ક્લિનિક્સ પણ હવે બનશે રોબોસ્ટ અને હાઈટેક!: કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું 'ઈ-સુશ્રુત ક્લિનિક' પ્લેટફોર્મ, માત્ર ₹૨૯૯ ના માસિક ખર્ચે મળશે ડિજિટલ હેલ્થ મેનેજમેન્ટની આધુનિક સુવિધા

C-DAC દ્વારા તૈયાર કરાયેલું સોફ્ટવેર નાના ડોક્ટરોને કાગળિયાની ઝંઝટમાંથી આપશે મુક્તિ: પ્રથમ ૩ મહિના સેવા તદ્દન મફત, આયુષ્માન ભારત ડિજિટલ મિશનને મળશે જબરદસ્ત વેગ

નવી દિલ્હી : દેશના ખૂણે-ખૂણે તબીબી સેવાઓ આપતા નાના ક્લિનિક્સ અને ઓપીડી (OPD) સેન્ટર્સને ડિજિટલ ક્રાંતિ સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે નાના ક્લિનિક્સ માટે ખાસ ડિઝાઇન કરાયેલી હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ 'ઈ-સુશ્રુત ક્લિનિક' (e-Sushrut Clinic) નું ઉદ્ઘાટન કર્યું છે. પ્રખ્યાત સંસ્થા C-DAC દ્વારા વિકસાવવામાં આવેલું આ ડિજિટલ પ્લેટફોર્મ દેશના સામાન્ય ચિકિત્સકોને અત્યંત સસ્તું, સુરક્ષિત અને ઉપયોગમાં સરળ ડિજિટલ સોલ્યુશન પૂરું પાડશે.

મોંઘા સોફ્ટવેરના જમાનામાં સરકારનો માસ્ટરસ્ટ્રોક

આરોગ્ય મંત્રાલયના સર્વેક્ષણ અનુસાર, ભારતમાં મોટાભાગના નાના પ્રાઇવેટ ક્લિનિક્સ અને ઓપીડી હજુ પણ દર્દીઓના રેકોર્ડ રાખવા માટે જૂની મેન્યુઅલ એટલે કે કાગળ-પેનની સિસ્ટમ પર નિર્ભર છે. બજારમાં ઉપલબ્ધ મોટાભાગના હોસ્પિટલ મેનેજમેન્ટ સોફ્ટવેર ખૂબ જ મોંઘા અને જટિલ હોય છે, જેના કારણે નાના ડોક્ટરો તેને ખરીદવાનું ટાળે છે. આ જ ખાઈને પૂરવા માટે 'ઈ-સુશ્રુત ક્લિનિક' લાવવામાં આવ્યું છે, જે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ના અમલીકરણને દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડશે. આ પ્લેટફોર્મમાં અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ આરોગ્ય સંસ્થાઓ જોડાઈ ચૂકી છે અને ૬૮૦ થી વધુ હેલ્થ રેકોર્ડ સફળતાપૂર્વક બની ગયા છે.

કાગળ મુક્ત ક્લિનિક: સ્પીચ-ટુ-ટેક્સ્ટ જેવી અદભુત સુવિધાઓ

આ એક સંપૂર્ણપણે ક્લાઉડ-આધારિત (Cloud-based) અને લાઇટવેઇટ સોફ્ટવેર છે, જે વાપરવા માટે કોઈ ખાસ ટેકનિકલ જ્ઞાનની જરૂર નથી. તેની મુખ્ય વિશેષતાઓમાં ડિજિટલ દર્દી નોંધણી, સ્માર્ટ બિલિંગ, MIS રિપોર્ટિંગ અને આયુષ્માન ભારત સર્ચ આઈડીની સુવિધા સામેલ છે. સૌથી આકર્ષક ફીચર 'સ્પીચ-ટુ-ટેક્સ્ટ' (Speech-to-Text) છે, જેનાથી ડોક્ટરો બોલીને પણ દર્દીના પ્રિસ્ક્રિપ્શન ટાઈપ કરી શકશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આ સોફ્ટવેરનો ઉપયોગ માત્ર 'હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી' માં નોંધાયેલા પ્રમાણિત અને અસલી ડોક્ટરો જ કરી શકશે, જેથી બોગસ તબીબો પર પણ લગામ કસાશે.

સબસિડી ધમાકો: ચા કરતા પણ ઓછી કિંમતે ડિજિટલ વ્યવસ્થા

આ સોફ્ટવેરના આર્થિક મોડેલને એટલું સસ્તું રાખવામાં આવ્યું છે કે કોઈ પણ નાનો ડોક્ટર તેને હસતા મુખે અપનાવી લેશે. 'ઈ-સુશ્રુત ક્લિનિક' ની મૂળ કિંમત દર મહિને ₹૪૯૯ (૫ યુઝર્સ માટે) નક્કી કરવામાં આવી છે. જો કે, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) દ્વારા ₹૨૦૦ ની માસિક સબસિડી આપવાની જાહેરાત કરાતા હવે ડોક્ટરોને આ સુવિધા માત્ર ₹૨૯૯ પ્રતિ મહિનાના અસરકારક ખર્ચે મળશે.

આટલું જ નહીં, પ્રથમ ૩ મહિના માટે આ સેવા સંપૂર્ણપણે મફત (Free) રહેશે. જો ક્લિનિકમાં ૫ થી વધુ સ્ટાફ મેમ્બર ઉમેરવા હશે, તો પ્રતિ વ્યક્તિ માત્ર ₹૫૦ ની વધારાની માસિક ફી લાગશે. સોફ્ટવેરને અપગ્રેડ રાખવાની જવાબદારી C-DAC ની રહેશે, જ્યારે ક્લાઉડ હોસ્ટિંગ અને દર્દીઓને મોકલવામાં આવતા SMS નો તમામ ખર્ચ NHA ભોગવશે. કોઈપણ ટેકનિકલ સમસ્યાના ઉકેલ માટે ડોક્ટરોને ચોવીસ કલાક કોલ સેન્ટર સપોર્ટ પણ મળશે. સરકાર આ સિસ્ટમને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સુખાકારી કેન્દ્રોમાં પણ મોટા પાયે લાગુ કરવા જઈ રહી છે.

(7:47 PM IST)