<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

દુનિયા ભલે હોર્મુઝની નાકાબંધીથી ડરે, પાકિસ્તાનીઓએ તો બાઇક પર જ 'તેલ' લાવીને અમેરિકાના પ્રતિબંધોના લીરેલીરા ઉડાવ્યા!

ઇરાન સરહદેથી દરરોજ ૬૦ લાખ લિટર ઇંધણની થાય છે હેરાફેરી; સોશિયલ મીડિયા પર સેંકડો બાઇકર્સ અને ટ્રકોનો વીડિયો વાયરલ થતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ

ઇસ્લામાબાદ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ લશ્કરી સંઘર્ષના કારણે આજે સમગ્ર વિશ્વ ગંભીર ઉર્જા સંકટ (Energy Crisis) નો સામનો કરી રહ્યું છે. ભારત સહિત દુનિયાના તમામ પ્રગતિશીલ દેશો ચિંતિત છે કે આ યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય જેથી વૈશ્વિક વેપાર માટે સૌથી મહત્વની ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) નો દરિયાઈ માર્ગ ફરી સામાન્ય થઈ શકે. પરંતુ, આ બધાની વચ્ચે પડોશી દેશ પાકિસ્તાનને આ નાકાબંધીની જરાય ચિંતા નથી! પાકિસ્તાનીઓએ આ આંતરરાષ્ટ્રીય કટોકટીનો એક અનોખો અને વિવાદાસ્પદ 'સ્થાનિક જુગાડ' શોધી કાઢ્યો છે. દરિયાઈ માર્ગ બંધ હોવા છતાં, પાકિસ્તાનીઓ જમીન માર્ગે મોટરસાયકલ અને ટ્રકો દ્વારા દરરોજ અંદાજે ૬૦ લાખ (6 Million) લિટર ઈરાની તેલ પોતાના દેશમાં લાવી રહ્યા છે.

અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઈરાન માટે પાકિસ્તાનનો આ નવો જમીની માર્ગ આશીર્વાદ સમાન સાબિત થયો છે, જેનાથી ઈરાનને નિકાસ વધારવાનું મોટું સાધન મળી ગયું છે. મીડિયા અહેવાલો અનુસાર, ૨૮ ફેબ્રુઆરી પછી પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં જ આ તેલની સત્તાવાર દાણચોરીમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.

૯૦૯ કિલોમીટર લાંબી સરહદ અને બાઇકર્સની 'રોયલ એન્ટ્રી'

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે અંદાજે ૯૦૯ કિલોમીટર લાંબી પહાડી અને ખુલ્લી જમીન સરહદ આવેલી છે, જે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતને ઈરાનના સિસ્તાન પ્રાંત સાથે જોડે છે. આ સરહદનો લાભ ઉઠાવીને આંતરરાષ્ટ્રીય ઓઇલ માફિયાઓ દરરોજ લાખો લિટર તેલ પાકિસ્તાનમાં ઠાલવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સેંકડો બાઇક સવારો પોતાની મોટરસાયકલની બંને બાજુએ તેલના મોટા-મોટા કેન બાંધીને લાઇનસર જતા જોવા મળે છે. અમેરિકન પોડકાસ્ટર 'રેડિયો લિબર્ટી'એ પાકિસ્તાની સત્તાવાળાઓને ટાંકીને જણાવ્યું છે કે, આ નેટવર્ક ચલાવવા માટે સરહદ પર અનેક ગુપ્ત 'ક્રોસિંગ પોઇન્ટ્સ' બનાવવામાં આવ્યા છે, જ્યાં ઓછી સુરક્ષાનો લાભ લઈને ઈરાનીઓ તેલ પહોંચાડે છે અને પાકિસ્તાનીઓ તેને ત્યાંથી ઉપાડીને બલુચિસ્તાન સહિત અન્ય પ્રાંતોમાં સપ્લાય કરે છે.

એક પિકઅપ ટ્રકમાં ૧૮૦૦ લિટર તેલ: વાર્ષિક $૧ બિલિયનનું કૌભાંડ

સ્થાનિક બલૂચ પત્રકાર અકબર નોટઝાઈના અહેવાલ મુજબ, આ દાણચોરીમાં વપરાતા દરેક કેનની ક્ષમતા આશરે ૬૦ લિટરની હોય છે. એક નાની પિકઅપ ટ્રકમાં આવા ૩૦ કેન એટલે કે ૧,૮૦૦ લિટર તેલ ભરી શકાય છે અને રોજ આવી ૨,૦૦૦ થી વધુ ટ્રકો સરહદ પાર કરે છે. આ સિવાય બાઇક અને ગ્વાદર બંદરના દરિયાઈ ચોર રસ્તાઓનો પણ ઉપયોગ થાય છે.

અમેરિકા સામે પાકિસ્તાનનો બેવડો ચહેરો બેનકાબ

એક સત્તાવાર અંદાજ મુજબ, પાકિસ્તાન આ ગેરકાયદેસર વ્યવહાર દ્વારા વાર્ષિક અંદાજે ૧ અબજ ડોલર ($1 Billion) નું તેલ ખરીદે છે, જે પાકિસ્તાનના કુલ વાર્ષિક ઇંધણ વપરાશના આશરે ૧૪ ટકા જેટલું થવા જાય છે. આ આંકડા સાથે પાકિસ્તાન બિનસત્તાવાર રીતે ચીન પછી ઈરાનનું બીજું સૌથી મોટું ઓઇલ માર્કેટ બની ગયું છે. જો કે, આ ઘટનાએ વૈશ્વિક મંચ પર અમેરિકા પ્રત્યે પાકિસ્તાનના બેવડા વલણને ખુલ્લું પાડી દીધું છે. એકતરફ ઇસ્લામાબાદ વોશિંગ્ટનની સામે ઈરાન પર પરમાણુ સોદો કરવા દબાણ લાવવાના નાટક કરે છે, તો બીજી તરફ પોતાની આર્થિક કંગાળિયત દૂર કરવા માટે આ જ સસ્તા દાણચોરીના તેલનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાન સરકારે આ સ્મગલિંગની વાત સ્વીકારી હોવા છતાં, તેઓ તેને રોકવા કોઈ પગલાં નથી લેતા કારણ કે આ નકલી બજાર જ હાલમાં પાકિસ્તાનના અર્થતંત્રને થોડી રાહત આપી રહ્યું છે.

(7:39 PM IST)