તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 13th July 2026
માનવતાની મિસાલ: આઈસીયુમાં દાખલ માતાને જોવા માટે ગ્રાહકે ઝોમેટો ડિલિવરી પાર્ટનર માટે કરી ૪,૦૦૦ રૂપિયાની ફ્લાઇટ ટિકિટ બુક
અજાણ્યા વ્યક્તિની સંવેદનશીલતાએ બચાવી એક દીકરાની આશા, ડિલિવરી બોયના આંસુ જોઈ ગ્રાહકે તાત્કાલિક લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી:સોશિયલ મીડિયા પર હાલ એક એવી ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે જે સાબિત કરે છે કે દુનિયામાં માનવતા હજુ પણ જીવંત છે. એક ગ્રાહકે તેની દરવાજા સુધી ખાવાનું પહોંચાડતા ઝોમેટો ડિલિવરી પાર્ટનરની પીડાને સમજીને જે મદદ કરી છે, તેના વખાણ સમગ્ર દેશમાં થઈ રહ્યા છે. ગ્રાહકે આઈસીયુમાં દાખલ ડિલિવરી પાર્ટનરની બીમાર માતાને જોવા માટે તેને ૪,૦૦૦ રૂપિયાના ખર્ચે હવાઈ મુસાફરીની ટિકિટ બુક કરાવી આપી.
ઘટનાની વિગત મુજબ, अंकित પાંડે નામના એક વ્યક્તિના ઘરે નિયમિતપણે એક ઝોમેટો ડિલિવરી પાર્ટનર ખાવાનું પહોંચાડવા આવતો હતો. એક દિવસ જ્યારે તે ડિલિવરી કરવા આવ્યો, ત્યારે તેણે ખૂબ જ વ્યથિત હાલતમાં એક ગ્લાસ પાણી માંગ્યું. અંકિતે તેને અંદર બોલાવ્યો ત્યારે જોયું કે ડિલિવરી પાર્ટનરની આંખો સૂજી ગઈ હતી અને તે સતત રડી રહ્યો હતો.
પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેની માતા અચાનક પડી જવાથી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. તે યુવકને તાત્કાલિક પોતાના વતન પહોંચવું હતું, પરંતુ ટ્રેનની ટિકિટ ઉપલબ્ધ નહોતી અને ટ્રેન દ્વારા પહોંચતા ૩૦ કલાક જેટલો લાંબો સમય લાગી શકે તેમ હતો. યુવક રડતા-રડતા બોલ્યો કે, "ભૈયા, ખબર નથી કે હું મારી માતાને જીવતી જોઈ શકીશ કે નહીં."
યુવકની લાચારી અને તેની માતા પ્રત્યેનો પ્રેમ જોઈને અંકિતનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે તાત્કાલિક ઓનલાઈન ફ્લાઇટ સર્ચ કરી અને ૪,૦૦૦ રૂપિયામાં ટિકિટ બુક કરાવી દીધી. અંકિતે માત્ર ટિકિટ જ બુક ન કરાવી, પણ એરપોર્ટ સુધી પહોંચવામાં મદદ કરવા માટે પોતાના મિત્રને પણ મોકલ્યો.
આ મદદના કારણે તે યુવક સમયસર પોતાના ઘરે પહોંચી શક્યો. ત્યારબાદ તેણે અંકિતને ફોન કરીને ખુશીના આંસુ સાથે જણાવ્યું કે તેની માતા હવે જોખમની બહાર છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તે યુવકે અંકિતને ટિકિટના પૈસા પાછા મોકલવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ અંકિતે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ પૈસાનો ઉપયોગ માતાની સારવારમાં કરવામાં આવે.
આ કિસ્સો શેર કરતા અંકિતે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કોઈની જિંદગી બદલવા માટે હંમેશા લાખો-કરોડો રૂપિયાની જરૂર નથી હોતી, ક્યારેક એક ગ્લાસ પાણી, સમયસર મળેલું ભોજન અને એક ટિકિટ પણ કોઈની આશા બની શકે છે. અંકિતની આ પહેલથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે અને માનવતાનું આ ઉદાહરણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
