<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

નગરપાલિકા ચૂંટણીમાં રોમાંચક અને ભાવુક વળાંક: માત્ર ૧ વોટના અંતરથી જીત્યા અપક્ષ ઉમેદવાર, પરિણામ પહેલાં માતાએ ફાની દુનિયા છોડી!

લોકો બોલ્યા- 'માના આખરી વોટે જ દીકરાને વિજયી બનાવ્યો'; નદબઈના વોર્ડ નંબર ૬ માં ભાજપના ઉમેદવારને ૧૫૧ સામે ૧૫૦ વોટથી પછાડ્યા

જયપુર : રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીના પરિણામોમાં અનેક ચોંકાવનારા અને રસપ્રદ ચહેરાઓ સામે આવ્યા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આકરી ટક્કર વચ્ચે એક અપક્ષ ઉમેદવારની જીતે આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. ભરતપુર જિલ્લાના નદબઈ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ માં પરિણામ જેટલું રોમાંચક રહ્યું, તેટલું જ તે એક પરિવાર માટે અત્યંત ભાવુક અને કરુણ સાબિત થયું છે. અહીં ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારે ભાજપના ઉમેદવારને માત્ર એક જ મતના માર્જિનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે.

 

વોર્ડ નંબર ૬ માં સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. શરૂઆતના તબક્કામાં ભાજપના ઉમેદવાર રામશરણ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ આખરી રાઉન્ડમાં એક-એક વોટ માટે કાંટાની ટક્કર જામી હતી. અંતે પરિણામ જાહેર થતાં અપક્ષ ઉમેદવાર જગદીશ પ્રસાદને ૧૫૧ વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના રામશરણને ૧૫૦ વોટ મળ્યા હતા. આ રીતે માત્ર ૧ મતથી જગદીશ પ્રસાદ વિજેતા જાહેર થયા હતા.

 

જોકે, આ જીતની ખુશી ઉજવાય તે પહેલાં જ વિજેતા ઉમેદવારના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જગદીશ પ્રસાદની વૃદ્ધ માતાએ મતદાનના દિવસે ઉત્સાહભેર પોતાનો કિંમતી મત આપ્યો હતો, પરંતુ તેના બીજા જ દિવસે તેમનું અચાનક અવસાન થયું હતું. જ્યારે મતગણતરીના દિવસે પુત્રના ૧ વોટથી જીતના સમાચાર આવ્યા ત્યારે આખો પરિવાર માતાના શોકમાં ડૂબેલો હતો. સ્થાનિક લોકોમાં હવે એ જ ચર્ચા ચાલી રહી છે કે 'માતાનો આખરી વોટ જ દીકરા માટે તારણહાર બન્યો.' જીતના હર્ષ સામે માતાને ગુમાવવાનું દુઃખ હોવાથી આ ક્ષણ પરિવાર માટે અત્યંત ભાવુક બની ગઈ છે.

 

(8:58 PM IST)