<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

એક્ઝિટ પોલનું એ ટુ ઝેડ: જાણો 1996માં દૂરદર્શનથી થયેલી શરૂઆત અને અમેરિકા સાથેનો તેનો ખાસ સંબંધ, શું આ આંકડા હંમેશા સાચા હોય છે?

મતદાન પૂર્ણ થયા બાદ જ કેમ જાહેર થાય છે આંકડા? સેમ્પલ સાઈઝથી લઈને પ્રશ્નોની પસંદગી સુધી - જાણો કેવી રીતે નક્કી થાય છે કોણ જીતશે અને કોણ હારશે

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જંગમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે હવે સૌની નજર 'એક્ઝિટ પોલ' (Exit Poll) પર ટકેલી છે. એક્ઝિટ પોલ એટલે કે ચૂંટણીના પરિણામોનો અંદાજ, જે ક્યારેક ચોક્કસ સાબિત થાય છે તો ક્યારેક તદ્દન ઉલટો પડે છે. મતદાનના દિવસે જ્યારે મતદાતા વોટ આપીને બહાર નીકળે ત્યારે તેની સાથે કરવામાં આવેલી વાતચીતના આધારે આ સર્વે તૈયાર કરવામાં આવે છે. આ આંકડાઓ લોકોમાં જીત-હારની ઉત્સુકતા અને બેચેની બંનેમાં વધારો કરી દેતા હોય છે.
એક્ઝિટ પોલનો રસપ્રદ ઈતિહાસ:
ચૂંટણી સર્વેની શરૂઆત સૌથી પહેલા અમેરિકામાં 1930 અને 1940ના દાયકામાં થઈ હતી, પરંતુ મોટા પાયે એક્ઝિટ પોલ 1967માં વોરેન મિટોફસ્કી નામના સંશોધકે અમેરિકાના કેન્ટુકીમાં ગવર્નરની ચૂંટણી દરમિયાન કર્યો હતો. ભારતમાં તેની શરૂઆત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન' ના વડા એરિક ડી કોસ્ટાએ કરી હતી. જોકે, ભારતમાં રાષ્ટ્રીય સ્તરે એક્ઝિટ પોલ ત્યારે લોકપ્રિય થયા જ્યારે 1996માં સરકારી ચેનલ 'દૂરદર્શન' એ CSDS સાથે મળીને આંકડા જાહેર કર્યા. તે સમયે દૂરદર્શને ભાજપને 190-200 અને કોંગ્રેસને 140-150 બેઠકો આપી હતી, અને પરિણામો પણ લગભગ તેની આસપાસ જ રહ્યા હતા.
શા માટે મતદાન પછી જ જાહેર થાય છે આંકડા?
વર્ષ 1980માં અમેરિકાની NBC ચેનલે મતદાન પૂર્ણ થવાના 3 કલાક પહેલા જ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા હતા, જેમાં રોનાલ્ડ રીગન જીતી રહ્યા હોવાનું જણાવાયું હતું. આના કારણે ભારે વિવાદ થયો અને એવું માનવામાં આવ્યું કે અધવચ્ચે જાહેર થયેલા આંકડા બાકીના મતદારોના મન પર અસર કરે છે. ત્યારથી નિયમ બન્યો કે મતદાન પૂર્ણ થયાના અડધા કલાક પછી જ એક્ઝિટ પોલ જાહેર કરી શકાય. ભારતમાં પણ 'રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ' મુજબ જો કોઈ મતદાન પહેલા આંકડા જાહેર કરે તો તેને 2 વર્ષની જેલ થઈ શકે છે.
કેવી રીતે તૈયાર થાય છે સચોટ અંદાજ?
ભારતમાં ચાણક્ય, સી-વોટર, માય એક્સિસ જેવી આશરે 15 જેટલી ખાનગી એજન્સીઓ આ સર્વે કરે છે. તેની સચોટતા મુખ્યત્વે ત્રણ પરિબળો પર આધારિત છે:
•    સેમ્પલ સાઈઝ: સર્વેમાં જેટલા વધુ લોકોનો સંપર્ક કરવામાં આવે, તેટલો અંદાજ સચોટ રહેવાની શક્યતા વધી જાય છે.
•    પ્રશ્નોની પસંદગી: સર્વેમાં પૂછવામાં આવતા પ્રશ્નો કેટલા તટસ્થ છે તેના પર પરિણામનો આધાર હોય છે. ઘણીવાર સીધા પ્રશ્નોને બદલે જ્ઞાતિ, બેરોજગારી અને ધર્મ જેવા મુદ્દાઓ પર આડકતરી રીતે પૂછીને મતદારોનું મન કળવામાં આવે છે.
•    સર્વેની રેન્જ: જો સર્વે મર્યાદિત બૂથ સુધી જ સીમિત હોય, તો પરિણામ ખોટું પડી શકે છે. તેથી બહોળા વિસ્તારને આવરી લેવો જરૂરી છે.
ટૂંકમાં, એક્ઝિટ પોલ એ વૈજ્ઞાનિક પદ્ધતિ અને જનતાના મિજાજનો સંગમ છે. જોકે, તે અંતિમ પરિણામ નથી, પરંતુ લોકશાહીના આ મહાપર્વમાં જનતાનો ઝુકાવ કઈ તરફ છે તેનો અરીસો જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે 2026ના આ પાંચ રાજ્યોના જંગમાં એક્ઝિટ પોલના આંકડા વાસ્તવિક પરિણામો સાથે કેટલા મેચ થાય છે.

(6:50 PM IST)