<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

અમેરિકામાં વેપાર મુશ્કેલીઓ જણાવો, સરકાર વોશિંગ્ટન સામે મુદ્દા ઉઠાવશે: નિકાસકારોને વાણિજ્ય મંત્રાલયનું સીધું આમંત્રણ

ટેરિફની અનિશ્ચિતતાથી મોટા અને લાંબા ઓર્ડરો ઘટ્યા: ભારત–અમેરિકા વેપાર કરાર ઝડપથી પૂર્ણ કરવા ઉદ્યોગ જગતનો દબાણ: પિયુષ ગોયલના અમેરિકા પ્રવાસ પહેલાં વેપારીઓ સાથે મોટી બેઠક: દવા, ટેક્સટાઇલ, કૃષિથી ઓટોમોબાઇલ સુધીના ક્ષેત્રોની રજૂઆત સાંભળાઈ

નવી દિલ્હી:ભારતના વાણિજ્ય મંત્રાલયે અમેરિકી બજારમાં પ્રવેશ કરતી વખતે પડતી સમસ્યાઓ અને ટેરિફ સંબંધિત ચિંતાઓની વિગત આપવા ઉદ્યોગ અને નિકાસકારોને કહ્યું છે, જેથી તે મુદ્દાઓ અમેરિકી અધિકારીઓ સમક્ષ સત્તાવાર રીતે ઉઠાવી શકાય. બેઠકની અધ્યક્ષતા વધારાના સચિવ અને ભારત–અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈને કરી હતી.

નિકાસકારોએ જણાવ્યું કે અમેરિકાથી ઓર્ડરો ચાલુ છે, પરંતુ અનિશ્ચિત ટેરિફને કારણે ખરીદદારો મોટા પ્રમાણમાં અથવા લાંબા સમયના ઓર્ડરો આપવા સંકોચાઈ રહ્યા છે. દવા, ઇજનેરી, કાપડ, કૃષિ, રસાયણ, સમુદ્રી ઉત્પાદનો, ચામડું, વાહનો, વાહન ભાગો, હસ્તકલા અને પ્લાસ્ટિક ક્ષેત્રના પ્રતિનિધિઓ ચર્ચામાં સામેલ રહ્યા.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સપ્ટેમ્બરના અંતે અમેરિકામાં યોજાનારી જી-૨૦ વેપાર મંત્રી બેઠકમાં ભાગ લેવાના છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની અમેરિકાને નિકાસ ૮૭.૩૧ અબજ ડોલર અને આયાત ૫૩.૪૫ અબજ ડોલર રહી હતી.

 

(9:55 PM IST)