<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

વર્ક કલ્ચર કે શોષણ? ભારતમાં ૨૪% લોકો અઠવાડિયામાં ૧૬ કલાકથી વધુ કરે છે ઓવરટાઈમ! ‘બિના પગાર કામ’ કરવામાં આખો દેશ દુનિયામાં નંબર-૧

ADP રિસર્ચના ‘પીપલ એટ વર્ક ૨૦૨૬’ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: દેશના ૬૪% કર્મચારીઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા ૬ કલાક મફતમાં વૈતરું કરવા મજબૂર; વધતા કલાકોથી કામદારોમાં તણાવ અને બર્નઆઉટનું પ્રમાણ વધ્યું

નવી દિલ્હી : ભારતીય કોર્પોરેટ જગત અને કાર્યસંસ્કૃતિને લઈને એક અત્યંત ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો વૈશ્વિક રિપોર્ટ સામે આવ્યો છે. ADP રિસર્ચ દ્વારા તૈયાર કરાયેલા 'પીપલ એટ વર્ક ૨૦૨૬' રિપોર્ટ અનુસાર, વિશ્વના તમામ અગ્રણી દેશોની સરખામણીમાં ભારતમાં કર્મચારીઓ સૌથી વધુ સમય વગર પગારે એટલે કે 'અવેતન કામ' (અનપેઇડ ઓવરટાઇમ) કરે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતના ૨૪ ટકા જેટલા કર્મચારીઓ અઠવાડિયામાં ૧૬ કે તેથી વધુ કલાક એક પણ રૂપિયો મેળવ્યા વગર મફતમાં કામ કરી રહ્યા છે, જે આંકડો વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે.

વિશ્વના ૩૬ દેશોના ૩૯,૦૦૦ થી વધુ કામદારો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં સામે આવ્યું છે કે ભારતમાં વધુ ૪૦ ટકા લોકો અઠવાડિયામાં ૬ થી ૧૫ કલાક સુધીનો સમય ઓવરટાઇમ પાછળ વિતાવે છે. આનો સીધો અર્થ એ થયો કે દેશના લગભગ બે-તૃતીયાંશ (૬૪%) કર્મચારીઓ લંચ બ્રેક દરમિયાન પણ કામ કરવા કે મોડી રાત સુધી ઓફિસે રોકાવા મજબૂર છે. વૈશ્વિક સ્તરે આ આંકડો ઘણો ઓછો છે, જ્યાં મોટાભાગના લોકો અઠવાડિયામાં ૫ કલાકથી વધુ વગર પગારે કામ કરતા નથી. તુર્કી (૨૩%), ઓસ્ટ્રિયા (૨૧%) અને અમેરિકા (૨૦%) આ યાદીમાં ભારત પછીના ક્રમે આવે છે, જ્યારે જાપાન અને ચીનમાં માત્ર ૬ ટકા લોકો જ આવું કરે છે.

રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે જુનિયર કર્મચારીઓની સરખામણીએ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ મેનેજરો વધુ સમય વગર પગારે વિતાવે છે. કંપનીના અડધાથી વધુ ટોચના નેતાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા ૬ કલાક વધારાનું કામ કરે છે. વર્ક ફ્રોમ હોમ કે રિમોટ વર્કિંગ કરતા કર્મચારીઓમાં પણ અનપેઇડ કામ કરવાનો દર વધુ જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારે સતત વધારાના કલાકો કામ કરવાથી કર્મચારીઓની ઉત્પાદકતા વધવાને બદલે ઘટે છે અને તેમનામાં માનસિક તણાવ તેમજ નોકરી છોડવાના વિચારોનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

(5:59 PM IST)