News of Wednesday, 18th November 2026
મેટ્રો પકડવા પહોંચેલા મુસાફરોની આંખો પહોળી થઈ ગઈ: સ્ટેશનના એસ્કેલેટર પાસે ઉભેલી ગાયનો ફોટો વાયરલ થતા DMRC દોડતું થયું
દિલ્હીના કરકરડૂમા મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર પર અચાનક ગાય આવી ચડતા મુસાફરો સ્તબ્ધ : સોશિયલ મીડિયા પર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠતા મેટ્રો તંત્રએ માફી માંગી સ્ટાફને કડક સૂચનાઓ આપી

નવી દિલ્હી : દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે પ્લેટફોર્મ પર ભીડભાડ અને દોડધામ તો સામાન્ય બાબત છે, પરંતુ રાજધાનીના કરકરડૂમા મેટ્રો સ્ટેશન પર એક એવો અણધાર્યો નજારો જોવા મળ્યો જેણે સૌને ચોંકાવી દીધા હતા. મેટ્રો પકડવા માટે સ્ટેશન પર પહોંચેલા મુસાફરો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમણે પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પર એસ્કેલેટરની બિલકુલ નજીક એક ગાયને શાંતિથી ઉભેલી જોઈ. પ્રતિક સૈની નામના એક યુઝરે આ અસામાન્ય દ્રશ્યનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યો હતો, જેમાં સીડી પરથી ઉતરતા મુસાફરો પણ આશ્ચર્યચકિત થઈને ગાય સામે જોઈ રહ્યા હતા. ગણતરીના કલાકોમાં જ આ તસવીર ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગઈ હતી.
આ તસવીર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર રમૂજી ટિપ્પણીઓની સાથે મેટ્રોની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠવા લાગ્યા હતા. ઘણા યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે દિલ્હી મેટ્રો સ્ટેશનો પર કડક સુરક્ષા, સીસીટીવી કેમેરા અને ગાર્ડ્સ તૈનાત હોવા છતાં એક રખડતું પશુ એસ્કેલેટરની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયું? કેટલાક લોકોએ આ ઘટનાને રમૂજી અંદાજમાં લેતા લખ્યું કે ગાય પણ કદાચ મેટ્રોની સવારી કરવા આવી હશે, જ્યારે અન્ય મુસાફરોએ સ્ટેશન પરિસરમાં મુસાફરોની સલામતી અને સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વાયરલ પોસ્ટ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ના ધ્યાન પર આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી. DMRC એ મુસાફરોને પડેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે સંબંધિત સ્ટેશન સ્ટાફને પરિસરમાંથી રખડતા પશુઓને દૂર રાખવા માટે ફરીથી કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઘટના બાદ હવે મેટ્રો પ્રશાસન દ્વારા તમામ સ્ટેશનોના પ્રવેશદ્વાર પર સુરક્ષા ગાર્ડ્સને વધુ સતર્ક રહેવા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે દેખરેખ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
