<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

જીએસટી રિટર્ન ભરવાની મોકાણથી વેપારીઓને માથે દંડ તોળાવાનો ખતરો

રિટર્ન ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો ૧૦૦ રૂપિયા પ્રમાણે રોજની વસૂલાત

નવી દિલ્‍હી,તા.૨૧: છેલ્‍લા પાંચ દિવસથી જીએસટી રિટર્ન ભરવામાં વેપારીઓને સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે. ૩બી રિટર્ન ભરવાનો આજે છેલ્‍લો દિવસ હોવા છતાં સમસ્‍યાનો ઉકેલ નહીં આવતા અનેક વેપારીઓ હજુ પણ જીએસટી રિટર્ન ભરપાઈ કરી શક્‍યા નથી. તેના લીધે વેપારીએ એક દિવસના ૧૦૦ રૂપિયા લેખે લેટ ફી ભરવાની પરિસ્‍થિતિ ઊભી છે.

જીએસટી રિટર્ન ભરવામાં છેલ્‍લા દિવસોમાં સર્વરની સમસ્‍યા નહીં સર્જાય તે માટે સર્વરની સંખ્‍યામાં વધારો પણ કરવામાં આવ્‍યો છે. તેમ છતાં થોડા સમય માટે એટલે કે ચારથી પાંચ મહિના સર્વર યોગ્‍ય રીતે કાર્યરત રહેતું હોય છે. પછી પાછી સમસ્‍યા ઠેરની ઠેર જ રહેતી હોય છે. આ માટે વખતોવખત જવાબદારોને લેખિત અને મૌખિક ફરિયાદ પણ કરવામાં આવી છે. છતાં હજુ પણ તેનું કાયમી નિરાકરણ આવ્‍યું નથી. જયારે માર્ચ મહિનાનું જીએસટી રિટર્ન એપ્રિલની ૨૦ પહેલા ભરવાનું હોય છે. ત્‍યારબાદ રિટર્ન ભરવામાં આવે

તો રોજના ૧૦૦ રૂપિયા લેખે દંડ વસૂલ કરવામાં આવનાર છે. વેપારીઓ સમયસર રિટર્ન ભરવા માટે તૈયાર જ હતા. તેમાં ઓટોમેટિક લોગ આઉટ થઇ જવાની સમસ્‍યાને કારણે રિટર્ન ભરી શકયા નથી. તેવા વેપારીઓએ હવે દંડ સાથે રિટર્ન ભરવાની મોકાણ સર્જાઇ છે.

ભૂલ તંત્રની પણ દંડ વેપારીએ ભરવો પડશે

સર્વર નહીં ચાલવાની સમસ્‍યા છેલ્‍લા પાંચ દિવસથી હોવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવ્‍યું નથી. આ ઉપરાંત દર મહિનાની ૧૫થી ૨૦ તારીખ સુધીમાં મોટાભાગના વેપારીઓ જીએસટી ૩બી રિટર્ન ફાઇલ કરતા હોય છે. તે વાતની જાણકારી સારી રીતે તંત્રના જવાબદાર અધિકારીઓને હોવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવ્‍યું નથી. આ કારણોસર વેપારીઓએ નાછુટકે દંડ ભરવાની નોબત ઊભી થઇ છે. વેપારીઓમાં તો એવી પણ ચર્ચા થઇ રહી છે કે ભૂલ તંત્રની હોવા છતાં જવાબદારો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્‍યારે અમે સમયસર રિટર્ન ભરવા તૈયાર હોવા છતાં સર્વરની સમસ્‍યાને કારણે અમારે દંડ ભોગવવો પડી રહ્યો છે.

(10:08 AM IST)