<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

નકલી ડિસ્‍કાઉન્‍ટનો ખેલ થશે સમાપ્તઃ નવા ઈ-કોમર્સ નિયમો જાહેર

દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ પર સરકારની કાર્યવાહી : કપટપૂર્ણ ડિસ્‍કાઉન્‍ટ અને છૂપાયેલા ચાર્જ સંપૂર્ણપણે બંધ થશે

નવી દિલ્‍હી,તા.૧૧: કેન્‍દ્ર સરકારે ઓનલાઈન શોપિગને પારદર્શક અને ન્‍યાયી બનાવવા માટે નવા ઈ-કોમર્સ નિયમો જાહેર કર્યા છે, જે ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭થી દેશભરમાં અમલમાં આવશે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આ નિયમો લાખો ઓનલાઈન ખરીદદારો અને ડિજિટલ પ્‍લેટફોર્મ પર સીધી અસર કરશે, જેનાથી કપટપૂર્ણ ડિસ્‍કાઉન્‍ટ અને છૂપાયેલા ચાર્જ સંપૂર્ણપણે બંધ થશે.

આ નિર્ણય એટલા માટે જરૂરી હતો કારણ કે ૨૦૨૫માં નેશનલ કન્‍ઝ્‍યુમર હેલ્‍પલાઈન પર મળેલી ૧૭.૭૧ લાખ ફરિયાદોમાંથી લગભગ ૨૯ ટકા ફરિયાદો ફક્‍ત ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે સંબંધિત હતી. નવા નિયમો ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી ઓફર અને સર્ચ હેરફેરથી સુરક્ષા આપશે. બધી ઈ-કોમર્સ કંપનીઓને તેમના સોફટવેર, અલ્‍ગોરિધમ્‍સ અને સેલર નીતિઓમાં જરૂરી ટેકનિકલ સુધારા કરવા માટે ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવ્‍યો છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) (સંશોધન) નિયમો, ૨૦૨૬, ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭થી અમલમાં આવશે. સુધારેલા નિયમો હેઠળ ઈ-કોમર્સ એન્‍ટિટીઓએ જ્‍યારે પણ કિમત ઘટાડાની જાહેરાત કરવામાં આવે ત્‍યારે ઘટાડેલી કિમત અને પહેલાની કિમત જાહેર કરવી પડશે. જૂની કિમતનો અર્થ એ સૌથી ઓછી કિમતથી છે જેના પર ડિસ્‍કાઉન્‍ટની જાહેરાત થયાના ૩૦ દિવસમાં પ્રોડક્‍ટ વેચવામાં આવી હતી.

આ નિયમ ઈ-કોમર્સ કંપનીઓને એવા સર્ચ રિઝલ્‍ટમાં હેરફેર કરવાથી રોકશે જે યુઝર્સને ગેરમાર્ગે દોરે છે અથવા સર્ચ ક્‍વેરી માટે રિઝલ્‍ટની સુસંગતતાને અસર કરે છે. સ્‍પોન્‍સર્ડ લિસ્‍ટિંગની ઓળખ સ્‍પષ્ટ અને મહત્‍વની જાણકારી મારફતે આપવી જોઈએ. વિભાગે કહ્યું કે ઈ-કોમર્સ કંપનીઓને ડાર્ક પેટર્ન્‍સના નિવારણ અને નિયમન માટેની માર્ગદર્શિકા, ૨૦૨૩નું પાલન કરવું, વાર્ષિક સેલ્‍ફ ઓડિટ કરવું પડશે અને નિયમોના પાલનનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

નિયમોમાં જણાવાયું છે કે દરેક ઈ-કોમર્સ કંપનીને ફરિયાદીને તેના ફરિયાદ અધિકારી દ્વારા નોંધાયેલી ફરિયાદની નકલ પૂરી પાડવાની રહેશે. માર્કેટપ્‍લેસ ઈ-કોમર્સ કંપનીઓને નિયમો અનુસાર ગ્રાહકોને જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટે બેસ્‍ટ બિફોર અથવા યુઝ બિફોર તારીખો જેવી જરૂરી જાણકારી અને રિટર્ન, રિફંડ, વોરંટી, ડિલિવરી અને ચુકવણી જેવી મુખ્‍ય માહિતી જાહેર કરવી પડશે

(9:44 AM IST)